ગાઝીયાબાદમાં ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને 6 મહિનામાં રકમ પરત કરવાનું આપ્યું વચન
દિલ્હીઃ ગાઝીયાબાદમાં લૂંટની વિચિત્ર ઘટના સામે આવી હતી. ચાલ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને બંધક બનાવ્યા બાદ રોકડ અને દાગીના મળીને લગભગ સાડા પાંચ લાખની લૂંટ ચલાવી હતી. જો કે, ફરાર થતા પહેલા લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને માફી માંગીને છ મહિનામાં રકમ અને દાગીના પરત આપવાનું વચન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીયાબાદના રાજનગરમાં વૃદ્ધ વેપારી અને તેમની પત્નીને બંધગક બનાવીને લૂંટ ચલાવવાની વિચિત્ર ઘટના સામે આવી છે. રાજનગર સે-9માં પૂર્વ મેયર આશુ વર્માની નજીક વૃદ્ધ દંપતિ સુરેન્દ્ર વર્મા અ તેમની પત્ની અરૂણા વર્મા રહે છે. બુલંદશહેર રોડ વિસ્તારમાં પહેલા તેમની ફેકટરી હતી હાલ તેમને આ ફેકટરી બંધ કરી દીધી છે. તેમજ તેમની ત્રણેય દીકરીઓના લગ્ન બાદ તેઓ વિદેશમાં વસવાટ કરી રહી છે.
રાત્રિના સમયે દંપતિ સૂઈ ગયું હતું ત્યારે મધ્યરાત્રિ બાદ લગભગ 3.30 કલાકે ચાર બુકાનીધારી શખ્સો ગેસ કટરથી લોખંડનો દરવાજો કાપીને અંદર ઘુસ્યાં હતા. એક શખ્સના હાથમાં તમંચો હતો જ્યારે ત્રણના હથમાં ચાકુ હતું. લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને બંધક બનાવીને રૂ. દોઢ લાખની રોકડ અને ચાર લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ લૂંટનો ગુનો નોંધીને લૂંટારૂઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.
એવુ ચર્ચાઈ રહ્યું છે. લૂંટારૂઓ તમામ સામાન બાંધીને જતા પહેલા વૃદ્ધ દંપતિના પગે લાગીને માફ માંગી હતી. તેમજ કહ્યું હતું કે, અમને માફ કરજો, અમે છ મહિનામાં રોકડ અને દાગીના પરત આપી દઈશું. તેમણે જતા-જતા દંપતિને રૂ. 500ની નોટ પણ આપી હતી.