Site icon Revoi.in

સાબર ડેરી બાદ જામનગર દુધ સંઘ દ્વારા પણ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકોને રાહત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સાબર ડેરી બાદ જામનગર ડેરીએ પણ પશુપાલકોને દુધના ફેટના ભાવમાં વધારો કરી આપ્યો છે. જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. સાબર ડેરી દ્વારા ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં સતત વધારો કરી છેલ્લા 11 માસમાં કુલ રૂ.90 નો વધારો કરાયો છે. તાજેતરની બોર્ડ મિટિંગમાં 21 જાન્યુઆરીથી ₹20 નો વધારો કરવાનો નિર્ણય લેવાતાં પશુપાલકોને કિલો ફેટે 800 રૂપિયા ચૂકવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અસહ્ય મોંઘવારીને પગલે પશુઓની માવજત અને તેમનું ખાણદાણ તથા મજૂરી પશુપાલન વ્યવસાયને પોસાતી ન હોવાની અવારનવાર બૂમ ઊઠતી હોય છે. અને પશુપાલકો દ્વારા સરેરાશ પ્રતિદિનના ખર્ચના આંકડા પણ રજૂ કરવામાં આવતા હોય છે. સાબરડેરીએ અગાઉ 6 પ્રકારના પશુદાણમાં રૂ.100 થી માંડી રૂ.200 નો ભાવ વધારો ઝીંકતા પશુપાલકોને અગાઉ મળેલો ભાવફેરનો આનંદ ઓસરી ગયો હતો. પશુ દીઠ પ્રતિમાસ નિભાવ ખર્ચમાં રૂ.1 હજારનો વધારો થતા પશુપાલકોને પોતાનું પશુધન વેચવા મજબૂર થવુ પડવાનો આક્રોશ વ્યક્ત થયો હતો. જોકે, સાબરડેરી દ્વારા દાણના રોમટેરિયલમાં 30 ટકા જેવો વધારો થયાનો બચાવ કરાયો હતો. પરંતુ જિલ્લાના 3.82 લાખ પશુપાલકોની આર્થિક કમ્મર તૂટી જવાની પણ દહેશત વ્યક્ત થઇ રહી હતી. ત્યારબાદ ડેરીએ દુધના ફેટના ભાવમાં વધારો કરતા પશુપાલકોને રાહત થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જામનગર જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા દૂધનો કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂધમાં પ્રતિ કિલો ફેટનો ભાવ  વધારો મહિનામાં બીજી વાર કરવામાં આવ્યો હતો તેનાથી પશુપાલકોને ફાયદો થશે. અગાઉ કિલો ફેટ દીઠ 780 હતા અને હવે વધારીને કિલો ફેટ દીઠનો ભાવ વધીને 790 કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 7.55 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.  સાબર ડેરીએ પણ  ગત રોજ ભેંસના દૂધમાં રૂપિયા 20નો વધારો કર્યો હતો આ ભાવ વધારાને પગલે રૂપિયા 800 પ્રતિ ફેટે મળશે.  ગાયના દૂધનો ભાવ કિલો ફેટના રૂપિયા 765 મળશે.  આ ભાવવધારાને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે. સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો ભાવ વધારો  21 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે. સાબર ડેરી દ્વારા 28 ફેબ્રુઆરી 2022 થી અત્યાર સુધીમાં નિયમિત અંતરાલે કુલ 6 વખત ભાવ વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.710 થી વધારી રૂ.800 એટલે કે 11 માસમાં કુલ રૂ.90 વધારવામાં આવ્યા છે. સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું કે પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ માટે નિયામક મંડળ સતત કાર્યરત રહે છે.