ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર કરીને ફિક્સ પગારથી સેવા લેવામાં આવી છે. રાજ્યમાં 11 હજાર જ્ઞાન સહાયકની મુદત 31મી જુલાઇના રોજ પૂરી થઇ છે. આ તમામ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતાં કરી છે કે, 31મી જુલાઇ 2024ની સ્થિતિમાં મહેકમ મંજૂર થયા પછી વધ-ઘટ, બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની રહેશે. એટલે કે તમામ જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ નહીં થાય જે સ્કૂલમાં જેટલી જગ્યા ખાલી હશે એટલા જ જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં શિક્ષકની જેટલી ઘટ હોય તેટલા જ જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા અને મંજૂર મહેકમ અનુસાર જ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપવાનું કહેવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાઓમાં બદલીઓ બાદ જો શિક્ષકની જગ્યા ભરાઇ ગઇ હોય તો તે જગ્યા પરથી જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ ન કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. તેમજ જો જગ્યા ભરાઇ ગઇ હોય તો જ્ઞાન સહાયકને છૂટા કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, તા.31 જુલાઈ-2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. તે જ સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય, તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના રહેશે. વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે, તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલી ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.