Site icon Revoi.in

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

Social Share

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી 3 દિવસના પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન ફરી એકવાર ઈસ્લામિક કાર્ડ રમ્યું છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને કાશ્મીર મામલે સમર્થન આપવા મુદ્દે ઈરાનનો આભાર માન્યો છે, તેમજ પોતાના સંબંધ વર્ષો જૂના દર્શાવ્યાં છે.

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફએ કહ્યું હતું કે, અમારો ઈરાન સાથે 76 વર્ષ જુનો નહીં પરંતુ સદીઓ જુનો સંબંધ છે. પાકિસ્તાન ભલે 1947માં અસ્તિત્વમાં આવ્યું પરંતુ આ વિસ્તારનો સંબંધ ઈરાન સાથે વર્ષો જુનો છે. એટલું જ નહીં પાકિસ્તાન બન્યું તો તેને માન્યતા આપવામાં ઈરાન સૌથી આગળ હતું.

દરમિયાન શરીફે ઈરાનના ઈબ્રાહિમ રઈસીને પોતાના જાતભાઈ ગણાવ્યાં હતા. શરીફે ગાઝામાં મૃત્યુ પામેલા 35 હજાર મુસ્લિમોને શહીદ કહ્યાં હતા. આ ઉપરાંત કાશ્મીરનો રાગ આલોપીને તેની ગાઝા સાથે સરખામણી કરી હતી. તેમજ કહ્યું હતું કે, ભારતના અત્યાચારને કારણે મુસ્લિમોનું લોહી વહી રહ્યું છે. દરમિયાન શરીફે મુસ્લિમોની એકતાની અપીલ કરી હતી.

જો કે, કાશ્મીર મુદ્દે ઈરાને પાકિસ્તાનને આંચકો આપ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં ગાઝા માટે સમર્થન માટે પાકિસ્તાનનો આભાર માન્યો હતો તેમજ ઈસ્લામીક એકતાની વાત કરી હતી પરંતુ કાશ્મીરનો ઉચ્ચાર કરવાનું ટાળ્યું હતું. આમ પાકિસ્તાનનો એજન્ડા ઈરાનના રાષ્ટ્રપતિની પ્રેસ કોન્ફ્રન્સમાં જ ધરાશાયી થયો હતો.