વડોદરાઃ સૌરાષ્ટ્રભરમાં PGVCL દ્વારા વીજળીના સ્માર્ટ મીટરો લગાવવાનો નિર્ણય કરાયા બાદ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની)એ પણ મધ્ય ગુજરાતના તમામ સાત જિલ્લાઓમાં કરોડોના ખર્ચે વીજળીના સ્માર્ટ મીટરો લગાવવાનો નિર્ણય કર્યો છે. તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મિટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વીજચારી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એમજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મિટર દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપૂર સહિત સાત જિલ્લાઓના 34 લાખ જેટલા વીજ ગ્રાહકોને આગામી વર્ષ 2025 સુધીમાં સ્માર્ટ મિટર નાખી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં વડોદરા શહેરના અલ્કાપૂરી અને અકોટા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ સરકારી, ખાનગી, ઔદ્યોગિક એકમો સહિતના 25 હજાર જેટલા ગ્રાહકો માટે સ્માર્ટ મિટર ઇન્સ્ટોલ કરાશે. સ્માર્ટ વીજ મીટરો પ્રિ-પેઈડ રહેશે, વીજ ગ્રાહકોએ વીજળીની જરૂરિયાત મુજબ અગાઉથી એડવાન્સ રૂપિયા ચુકવીને મીટર ચાર્જ કરાવવા પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવા વીજ કનેકશનમાં પણ હવેથી સ્માર્ટ મિટર લગાવવામાં આવશે. ગ્રાહકો પોતાના વીજ વપરાશની માહિતી સતત જોઇ શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. સ્માર્ટ મિટર નાખવાથી મિટર રિડિંગ આપોઆપ અને ચોક્કસાઇ પૂર્વક થઇ જશે. ગ્રાહકો મોબાઇલ એપના માધ્યમથી પોતાના ઘરમાં વીજળીના વપરાશની માહિતી મેળવી શકશે અને તેના ઉપર નિયંત્રણ રાખી વીજ બચત કરી શકશે.