Site icon Revoi.in

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં ટુંકા વસ્ત્રોમાં ભક્તોને નહીં અપાય પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જો કે, મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી શ્રદ્ધાળુ પીતાંબર લઈને તેને ધારણ કર્યાં બાદ મંદિરમાં દર્શન કરવા જઈ શકશે. શામળાજી મંદિર દ્વારા તાજેતરમાં જ ટુંકા વસ્ત્રો સાથે શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનંતી કરાઈ છે અને મંદિરના પ્રવેશ દ્રાર પર બોર્ડ લગાવાયા છે. કોરોના મહામારી બાદ હાલ મંદિરમાં કોરોના ગાઈડલાઈન અનુસાર જ ભક્તોને પ્રવેશ આપવા દેવામાં આવે છે. હવે ટુંકા વસ્ત્રો પહેરીને ભક્તો માતાજીના મંદિર કરવા માટે મંદિરમાં પ્રવેશી નહીં શકે.

તાજેતરમાં યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટે પણ ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને મંદિરમાં દર્શન માટે પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ મંદિર પરિસર અને મંદિર પ્રવેશદ્વાર આગળ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. મંદિરના નિર્ણયથી અજાણ કોઈ શ્રદ્ધાળુ મહિલા કે પુરુષ દર્શનથી વંચીત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા કપડાંની સુવિધા ઉભી કરવામાં આવી છે.