Site icon Revoi.in

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ હવે તમામ ઓવરબ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ  શહેરના એસ.જી. હાઇ-વે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા નવ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારની કેટલી સ્પીડ હતી તે અંગે પ્રશ્નો સર્જાયા છે. બ્રિજ પર સીસીટીવી ન હોવાથી માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના તમામ 84 જેટલા ઓવરબ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં મ્યુનિ.કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે, શહેરના તમામ બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવે તેના માટે થઈ જે પણ બજેટ થતું હોય તેનો ઉપયોગ કરી અને CCTV કેમેરા ઝડપથી લગાવવામાં આવે. આ તમામ CCTV કેમેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત રહેશે અને તેનું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી.

મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, બુધવારે રાતે ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માત બાદ શહેરના તમામ 84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના કમિશનરને આપી દેવામાં આવી છે. ઝીરો બજેટમાંથી પણ જો જરૂરિયાત પડે તો ઉપયોગ કરી અને CCTV કેમેરા લગાવવામાં આવશે.  સરખેજ ગાંધીનગર હાઇ-વે નેશનલ હાઈ-વે ઓથોરિટીમાં આવે છે, જો સરકાર તરફથી સુચના મળશે તો  એસ.જી. હાઇ-વે ઉપર પણ CCTV કેમેરા લગાવી દઈશું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કુલ 6000 જેટલા CCTV કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું કહેવાય છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  શહેરીજનો કહી રહ્યા છે. કે, તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.