અમદાવાદઃ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આયુર્વેદ કોલેજોમાં પ્રવેશ માટે તાજેતરમાં 10મો રાઉન્ડ શરૂ કરાતાં આ રાઉન્ડમાં 228 વિદ્યાર્થીઓને જુદી જુદી કોલેજમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા હતા. જેમાં 76 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ પણ કરાવી લીધો હતો. આ સ્થિતિમાં 9મા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવનારા એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં રીટ કરતાં સ્ટે આપી દેવામાં આવ્યો હતો. કોર્ટે આગામી સૂનાવણી 5મી જાન્યુઆરીએ નિયત કરવામાં આવી છે. બીજીબાજુ આયુષ મંત્રાલય દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 31મી ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે. આથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ, કોલેજ સંચાલકો અને પ્રવેશ સમિતિના સત્તાધીશો પણ મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આયુર્વેદ-હોમિયોપેથી કોલેજોની મોડી મંજૂરીના કારણે હવે વિદ્યાર્થી-વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આયુર્વેદ કોલેજોની મોડી મંજૂરી આવવાના કારણે 228 બેઠકો માટે 10મો રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ રાઉન્ડમાં અગાઉ જે વિદ્યાર્થીઓને આ બેઠક ઓફર થઇ ચુકી છે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરવામાં આવી હતી. સમિતિએ 10માં રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે 228 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દીધો હતો. જેમાં 76 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ પણ કરાવી દીધો હતો. બીજીબાજુ અગાઉના 9મા રાઉન્ડમાં એક વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો હોવા છતાં કન્ફર્મ કરાવ્યો નહોતો. સમિતિએ 10મો રાઉન્ડ જાહેર કર્યો તેમાં અગાઉ જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય તેને ભાગ લેવા મનાઇ કરવામાં આવી હતી. તેથી તે વિદ્યાર્થીએ પોતાને 10 રાઉન્ડમાં તક કેમ ન આપવામાં આવી તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી દીધી હતી. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળતાં સમિતિ દ્વારા તમામ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. બીજીબાજુ સુપ્રીમ કોર્ટમાં આગળની સૂનાવણી માટે પહેલા 8મી જાન્યુઆરીની મુદત આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ કે, આયુષ મંત્રાલય દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 31મી ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે. આમ, સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી હાથ ધરવામાં આવે ત્યાંસુધીમાં આયુર્વેદમાં પ્રવેશની મુદત પુરી થઇ જાય તેમ છે. આ સ્થિતિમાં કોલેજ સંચાલકોએ પણ કોર્ટમાં રીટ કરી દીધી હતી. જેન અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કોલેજ સંચાલકો અને વિદ્યાર્થી બન્નેની સંયુક્ત સૂનાવણી આગામી 5મી જાન્યુઆરીએ રાખવાનું નક્કી કર્યું હતુ. આમ, સુપ્રીમ કોર્ટ સૂનાવણી કરે ત્યારે પણ પ્રવેશની સમયમર્યાદા પૂર્ણ થઇ જાય તેમ છે. આ સ્થિતિમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ-વાલીઓેએ હવે શું કરવું તેની મુંઝવણભરી સ્થિતિ ઉભી થઇ છે.