બીરભૂમિ હિંસા બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યુઃ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડી મોટી માત્રામાં મોતનો સામાન જપ્ત કર્યો
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાના પગલે પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન વિવિધ જિલ્લા અને ગામોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં અલગ-અલગ સ્થળ પરથી 350થી વધારે ક્રુડ બોમ્બ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીરભૂમિના મારગ્રામ વિસ્તારમાંથી લગભગ 200 બોમ્બ મળ્યાં હતા. પોલીસે વિવિધ વિસ્તારમાં છાપો મારીને મોતના સામાન સાથે 11 શખ્સોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મારગ્રામ વિસ્તારમાં ચાર ડોલમાં રાખવામાં આવેલા 200 બોમ્બ મળી આવ્યાં હતા. મારગ્રામમાં હિંસાવાળા બાગટુઈ ગામથી લગભગ 40 કિમી દૂર છે. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી નાગેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ક્રુડ બોમ્બને લઈને સતત દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. પશ્ચિમી મેદિનિપુરના કેશવપુરમાંથી પોલીસને 100 જેટલા ક્રુડ બોમ્બ મળ્યાં હતા. ઉત્તર 24 પરગનાના જગદલ પોલીસ સ્ટેસન વિસ્તારમાંથી આઠ બોમ્બ સાથે ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યાં હતા. પૂર્વીય બર્દવાનના મેમારી અને કૃષ્ણાપુરમાંથી 5 બોમ્બ સાથે બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. મુર્શિદાબાદના જંગીપુરમાં બે ડોલમાં ભરેલા 14 બોમ્બ મળી આવ્યાં હતા. નોર્થ દિનાઝપુરના રાયગંજમાંથી ચાર પાઈપ બોમ્બ સાથે 3 લોકોને ઝડપી લેવામાં આવ્યાં હતા. નાદિયાના કૃષ્ણાનગરમાંથી 14 ક્રુડ બોમ્બ સાથે 3 આરોપીઓને પકડી લેવાયાં છે.
બીરભૂમિ હિંસા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસને ગેરકાયદે હથિયારો શોધી કાઢીને આરોપીઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યાં હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના આદેશના પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.