અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 500 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ભાજપની 482 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. જેથી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ છ મહાનગરપાલિકામાં ભાજપના મોવડી મંડળ દ્વારા મેયરની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની 576 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો 482, કોંગ્રેસનો 55, આપનો 27, બીએસપીનો 3, ઓલ ઈન્ડિયા મજલસ-એ-એતીહાદુલ મુસ્લિમીનનો 7 તથા 1 બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. આમ છ કોર્પોરેશનમાં ભાજપ વધારે મજબુતીથી ફરી સત્તામાં આવ્યું છે. ત્યારે હવે મેયર મામલે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. તમામ 6 કોર્પોરેશનમાં અનામતના નિયમ પ્રમાણે મેયરની પસંદગી થશે. મેયરની પસંદગી માટે આખરી નિર્ણય ભાજપનું મોવડીમંડળ કરશે. અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે એસ.સી ઉમેદવાર અને બાકીના અઠી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે.
અમદાવાદમાં ભાજપનો 159, કોંગ્રેસનો 25, અન્યનો એક અને AIMIMને 7 બેઠક ઉપર વિજય થયો છે. આવી જ રીતે સુરતમાં ભાજપનો 93 અને આપનો 27 બેઠકો ઉપર વિજય થયો છે. અહીં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના ઉમેદવાર મેયર બનશે. વડોદરામાં ભાજપનો 69 અને કોંગ્રેસનો 7 બેઠકો ઉપર વિજય થયો છે. અહીં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અહીં ભાજપનો 68 અને કોંગ્રેસનો માત્ર 4 બેઠકો ઉપર વિજય થયો છે. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગના અને બીજા અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર મેયર બનશે. ભાવનગરમાં ભાજપના 44 અને કોંગ્રેસના 8 ઉમેદવારોની જીત થઈ છે. અહીં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે પછાત વર્ગના ઉમેદવાર મેયરની જવાબદારી નિભાવશે. જામનગરમાં ભાજપના 50 અને કોંગ્રેસના 11 તથા બીએસપીના 3 ઉમેદવારોની જીત થઈ હતી. અહીં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે એસ.સી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.