Site icon Revoi.in

બહિષ્કારને પગલે માલદીવની મુશ્કેલી વધી, હવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં કરશે રોડ-શો

Social Share

નવી દિલ્હીઃ ભારત-માલદીવ વિવાદના કારણે માલદીવને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આર્થિક રીતે મજબૂત બનવા હવે માલદીવ ભારતના સહારે છે. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવે ભારતીય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ અહીં ભારતના હાઈ કમિશનર મુનુ મહાવર સાથે બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા પર ચર્ચા કરી. ભારતના બહિષ્કારની અસર માલદીવમાં વિવિધ ક્ષેત્રો પર પડી રહી છે, ખાસ કરીને પર્યટન. જે માલદીવની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

એક સમય હતો જ્યારે માલદીવ માટે ભારત નંબર વન પ્રવાસન સ્થળ હતું. ભારતીય પ્રવાસીઓ આ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીથી ટોચના પ્રવાસી દેશ તરીકે ભારતનું સ્થાન પાંચમાથી છઠ્ઠા સ્થાને આવી ગયું છે. 2023માં મહત્તમ 2 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી. તદુપરાંત, આ વર્ષે ભારત છઠ્ઠા નંબર પર આવી ગયું છે. માલદીવના પ્રવાસન મંત્રાલયે પ્રવાસીઓનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ 10મી એપ્રિલ સુધીમાં 6,63,269 પ્રવાસીઓ માલદીવ આવ્યા હતા. આમાં ભારતીયોની સંખ્યા 37,417 છે. ચીનમાં સૌથી વધુ 71,995 લોકો છે.

MATATO અને ભારતીય હાઈ કમિશનરની બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા અને આગામી મહિનાઓમાં માલદીવમાં ઈનફ્લુએન્સર્સને મોકલવા માટે મુખ્ય ભારતીય શહેરોમાં વ્યાપક રોડ શો શરૂ કરવાની યોજનાઓ ચાલી રહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માલદીવ્સ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસી બજાર રહ્યું છે. MATATOનું કહેવું છે કે, તેઓ માલદીવને પ્રીમિયર ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટે ભારતના અગ્રણી પ્રવાસ સંગઠનો અને ઉદ્યોગના નેતાઓ સાથે ભાગીદારી કરવા આતુર છે.