Site icon Revoi.in

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ 5 વર્ષમાં તૂટી જતાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા

Social Share

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઓવર બ્રિજ માત્ર પાંચ વર્ષમાં તૂટી જતાં બંધ કરવા પડ્યો છે. આ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું તેમજ ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઇ રોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ‘સાવધાન…સાવધાન…સાવધાન…ભાજપના રાજમાં મોરબી કાંડ જેવો કાંડ થાય તો નવાઈ નહીં’ તેવા સૂત્રો લખેલા બેનરો શહેરના વિવિધ ચાર રસ્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠની બહાર લગાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ બનાવવાના સમયથી જ બેદરકારી દાખવવામાં આવી હતી. એવો રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જ ઘટસ્ફોટ થયો છે. ત્યારે હવે બ્રિજ મામલે ભાજપના સત્તાધીશો અને વહીવટી તંત્ર અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, તેવા ગાણા ગાઈ રહ્યા છે. હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતાં બ્રિજને પાંચ વર્ષમાં રિપેરિંગ કરવો પડ્યો છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપના સત્તાધીશો સમક્ષ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને જે તે જવાબદારો સામે પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા કિરીટ પરમારને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, શહેરના  હાટકેશ્વર બ્રિજ મામલે ત્રણ ખાનગી લેબોરેટરીઓના પણ રિપોર્ટ આવી ગયા છે, છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તે અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઇકોર્ટમાં આ મામલે રીટ દાખલ કરવામાં આવશે. ઉગ્ર રજૂઆત બાદ મેયરે  જણાવ્યું હતું કે, બ્રિજ મામલે અલગ અલગ લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. જે પણ નિર્ણય લેવાનો હશે તે કમિશનર સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી નિર્ણય લેશે.