- કંડલા, મુન્દ્રા, અને જખૌ બંદર પર 3 નંબરનું સિગ્નલ,
- મોબાઈલ નેટવર્કને પડી અસર,
- ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત
ભૂજઃ કચ્છમાં વરસાદી આફત બાદ હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. આજે સવારથી ભારે પનવ ફુંકાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન ભુજ નજીક યથાવત્ છે, તે આગળ વધતાં અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે. જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘકહેર વરસ્યા બાદ આજે શુક્રવારે વરસાદે તો વિરામ લીધો છે. પરંતુ, જિલ્લા પર હવે 48 વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. સંભવિત ‘અસના’ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે આ ત્રણ તાલુકાઓમાં કાચાં મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છમાં સંભવિત વાવાઝોડાના પગલે મુન્દ્રા, કંડલા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે.
જિલ્લા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે શુક્રવારે મુન્દ્રામાં 26 મીમી વરસાદ અને અંજારમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. મુન્દ્રાના ગુન્ડિયાળી ગામ નજીક સોલ્ટ અગરમાં બે લોકો ફસાયા હતા. તેઓને સવારે સલામત સ્થળે ખસેડી લીધા છે. હાલ વરસાદ બંધ છે અને બચાવ કામગીરી પણ હાલ કોઈ સ્થળે ચાલી રહી નથી. પવનની ગતિમાં પણ ઘટાડો નોંધાયો છે.