Site icon Revoi.in

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ બાદ વરસાદના ઝાપટાં પડ્યા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Social Share

અમદાવાદઃ શહેરમાં જુન-જુલાઈ દરમિયાન સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. હવે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ શુક્રવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા, જ્યારે પૂર્વ વિસ્તાર- જમાલપુર, નરોડા, નિકોલ રોડ, કુબેરનગર, સરદારનગરમાં પણ વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં લાંબી પ્રતિક્ષા બાદ મેઘરાજા સરવડારૂપી વરસ્યા હતા. શહેરીજનો ઘણા સમયથી ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા. ત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન સમયાંતરે પડેલા ભારે ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1927ના જૂન-જુલાઇમાં સવા 30 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઇંચ વરસાદે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ, તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. હવે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.