નવી દિલ્હીઃ કોમનવેલ્થમાં ક્રિકેટની વાપસી બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની ચર્ચા શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ 2028ની ઓલિમ્પિકની આવૃત્તિમાં ક્રિકેટ સહિત અન્ય આઠ રમતોના સમાવેશની સમીક્ષા કરશે. 2028માં ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની આયોજક સમિતિએ ICCને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવો કે કેમ તેનો અંતિમ નિર્ણય 2023માં આવશે. ICC અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રયાસોને કારણે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓલિમ્પિકની 2028 આવૃત્તિમાં ક્રિકેટ ઉપરાંત અન્ય આઠ રમતોનો સમાવેશ થઈ શકે છે અને IOC તેની સમીક્ષા કરી રહી છે. બેઝબોલ, ફ્લેગ ફૂટબોલ, બ્રેક ડાન્સિંગ, કરાટે, કિકબોક્સિંગ, સ્ક્વોશ, લેક્રોસ અને મોટરસ્પોર્ટનો સમાવેશ થઈ શકે છે. ઓલિમ્પિક સમિતિએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે, 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુલ 28 રમતોનો સમાવેશ કરવામાં આવશે. નવી રમતોના સમાવેશને લઈને સમિતિએ કહ્યું હતું કે એ જોવાનું રહેશે કે નવી રમતો ઓલિમ્પિકમાં ફિટ થાય છે કે નહીં.
આઈસીસીનું માનવું છે કે, ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવો જોઈએ. આઈસીસીના સીઈઓ જ્યોફ એલાર્ડિસે કહ્યું છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો ક્રેઝ અને આકર્ષણ સૌથી વધુ રહ્યું છે. મલ્ટીસ્પોર્ટસ ઈવેન્ટ્સમાં રમવું એ પણ ખેલાડીઓ માટે રોમાંચજનક રહ્યું છે. જો કે કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર મહિલા ક્રિકેટનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓલિમ્પિકમાં મહિલા અને પુરૂષ ક્રિકેટ બંનેનો સમાવેશ થવાની ધારણા છે. ICC ક્રિકેટના વૈશ્વિક આઉટરીચને લઈને પૂરો વિશ્વાસ ધરાવે છે.
(PHOTO-FILE)