રાજકોટ-સોમનાથ વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં વર્ષ 2024થી ઈલે.ટ્રેનો દોડતી થશે
રાજકોટઃ રેલવે દ્વારા સોમનાથી-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ-જેતલસર વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઈલેક્ટ્રિક ટ્રેનની ટ્રાયલ સફળ રહી હતી. રેલવે વિભાગના જણાવ્યાનુસાર 2024 સુધીમાં જેતલસરથી સોમનાથ સુધી ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂરી થયા બાદ રાજકોટ-સોમનાથ વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનો દોડતી થશે. તેના લીધે પ્રવાસીઓના સમયમાં પણ બચત થશે. એટલે કે,મુસાફરોનો એક કલાકનો સમય બચી જશે. ઈલેક્ટ્રિફિકેશનની કામગીરીનું નિરીક્ષણ દરમિયાન અમદાવાદના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટ-જેતલસર રૂટ પર ગુડસ અને પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી. હાલ રાજકોટ-વાંકાનેર રૂટ પર ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ આ રૂટ પર ઈલેક્ટ્રિક ટ્રેન દોડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમનાથ-રાજકોટ વચ્ચે રેલવે દ્વારા ઈલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેમાં જેતલસર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને આવતા વર્ષે એટલે કે, વર્ષ 2024 સુધીમાં સોમનાથી સુધીનું ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ સોમનાથને લાંબા રૂટ્સની ટ્રેનોનો વધુ લાભ મળશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન પર વિશેષ ભાડું વસૂલ થશે. કુલ 16 ફેરા વધારવામાં આવ્યા છે. આ ટ્રેનનું બુકિંગ આજથી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 4 ફેબ્રુઆરીથી દોડશે અને 25 માર્ચ સુધી ચાલશે. આ અગાઉ 28 જાન્યુઆરી, સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જેને અગાઉ 29 જાન્યુઆરી સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તે હવે 5 ફેબ્રુઆરીથી શરૂ કરીને 26 માર્ચ, 2023 સુધી વધારાની ટ્રેન તરીકે દોડશે. (file photo)