Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકારે પોલીસમાં 12000 ખાલી જગ્યા ભરવા માટે કરી એફિડેવિટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં  પબ્લિક પ્રોપર્ટીને નુકસાન અને પોલીસની ભૂમિકા અંગે અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. જેની  હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પોલીસ વિભાગમાં 29000 જગ્યાઓ ખાલી હોવાની ટકોર બાદ રાજ્યના ગૃહ વિભાદ દ્વારા પોલીસની 12000 જગ્યાઓ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુઓમોટોની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે આંદોલન સમયે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે,  તેની સામે અન્ય રાજ્યોની જેમ કેમ કોઈ કાયદો નથી. પોલીસ વિભાગમાં 29000 જગ્યાઓ ખાલી છે. જેમાં ટેક્નિકલ અને સ્ટેટ IBમાં 970 જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જગ્યા ખાલી છે. પોલીસફોર્સમાં 23,516 જેટલી જગ્યાઓ ખાલી છે. સરકારે પોલીસ વિભાગની 12000 જગ્યાઓ ભરવા એફિડેવિટ રજુ કરી હતી. દરમિયાન કોર્ટના હુકમ મુજબ કેટલી ભરતી કરાઈ છે? ભરતીનો સ્ટેજ કયો છે? જેવી વિગતો સરકારે એફિડેવિટમાં આપી ન હોવાથી કોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. આંદોલન સમયે પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન થતું હોય છે. ત્યારે એને અટકાવવા અન્ય રાજ્યોમાં કાયદા બન્યા છે, પરંતુ ગુજરાતમાં એનો કાયદો નથી, જેથી કોર્ટે કોર્ટમિત્ર હેમાંગ શાહને એ કાયદાઓ જોવા સૂચન કર્યું હતું. આ મુદ્દે વધુ સુનાવણી 3 સપ્તાહ બાદ હાથ ધરાશે

ગુજરાત હાઈકોર્ટમાં અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા ફાઇલ કરાયેલી એફિડેવિટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યા ખાલી છે, જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસફોર્સની 4 હજાર જગ્યા ખાલી છે. 7 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી હતી. ઉપરાંત રાજ્યમાં રેલી, સરઘસ અને સભા માટે પણ દિશા-નિર્દેશો જાહેર કરાયા છે. રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવા હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યો હતો. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસબેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસતિ પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.