અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ બીજા વર્ષમાં બ્રાન્ચ બદલવા ઇચ્છતાં હોય તેમને મંજૂરી આપવાની જાહેરાત તાજેતરમાં કરી દેવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ઇચ્છે તો વિદ્યાર્થીઓને આ પ્રકારની મંજૂરી આપી શકશે. કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓની અરજીઓ આવવાનું શરૂ થઇ ગયું છે બીજીબાજુ ટ્રાન્સફર માટેના નિયમો નક્કી કરવા માટેની કમિટીએ આગળની કોઇ કાર્યવાહી કરી નથી. કમિટી દ્વારા પ્રવેશ ટ્રાન્સફરના નિયમો નક્કી કર્યા પછી વિદ્યાર્થીઓની અરજીઓ પર નિર્ણય કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જીટીયુ સંલગ્ન ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં અત્યાર સુધી વિદ્યાર્થી જે બ્રાન્ચમાં પ્રવેશ મેળવે તેમાં જ ડિગ્રી મેળવવી પડતી હતી. ઘણી વખત વિદ્યાર્થીઓ એક બ્રાન્ચમાં પ્રવેશ લીધા પછી તેમાં અભ્યાસમાં રસ ન પડતાં નાપાસ થવા અને અભ્યાસ છોડી દેવાની નોબત પણ આવતી હોય છે. આ પ્રકારની સ્થિતિના કારણે ડ્રોપ આઉટનો રેશિયો સતત વધતો જતો હતો. આ પ્રકારની પરિસ્થિતિને નિવારવા માટે બ્રાન્ચ બદલવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીએ પહેલા વર્ષમાં સિવિલ ઇજનેરીમાં પ્રવેશ લીધો હોય અને બીજા વર્ષે તેને કોમ્પ્યુટરમાં પ્રવેશની ઇચ્છા થાય તો તે બ્રાન્ચ મેળવવા માટે અરજી કરી શકે છે. આ નિયમ લાગુ થવાનો છે તેની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓએ હવે પહેલા વર્ષમાં જે બ્રાન્ચમાં પ્રવેશ મળે તેમાં લઇને બીજા વર્ષે બ્રાન્ચ ટ્રાન્સફર કરાવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ પ્રવેશ કમિટીએ હજુ નિયમો નક્કી કર્યા ન હોવાથી કોલેજોના પ્રિન્સિપાલ કોઈ નિર્ણય લઈ શકતા નથી.
ઈજનેરી કોલેજોના પ્રિન્સિપાલોના કહેવા મુજબ હાલમાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા ટ્રાન્સફર માટેના નિયમો તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે.હાલ કમિટીની રચના કર્યા પછી ચૂંટણીના કારણે આગળની કોઇ કામગીરી થઇ શકી નથી. આગામી દિવસોમાં બ્રાન્ચ ટ્રાન્સફર માટેના નિયમો તૈયાર થયા બાદ દરેક કોલેજોને મોકલી આપવામાં આવશે. જેના આધારે દરેક કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસેથી બ્રાન્ચ ટ્રાન્સફરની અરજીઓ મગાવવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પહેલા વર્ષમાં લેવામાં આવતી પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો કેટલા વિદ્યાર્થીઓને એટીકેટી આવી છે તેની સંખ્યાના આધારે જે તે બ્રાન્ચમાં ખાલી પડેલી બેઠકોની વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્રાન્સફર માટે મંજૂરી અપાશે.