Site icon Revoi.in

છત્તીસગઢમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ હાર માટે એકબીજા ઉપર કરી રહ્યાં છે આક્ષેપ

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં પરાજયનું ઠીકરુ એકબીજા ફોડવામાં આવી રહ્યું છે. ઘણા નેતાઓએ હારનો દોષ રાજ્યના પાર્ટીના મોટા નેતાઓ પર લગાવ્યો છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય બૃહસ્પત સિંહએ પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને રાજ્ય પ્રભારી કુમારી સેલજા પર ગંભીર આરોપ લગાવીને વિધાનસભાની ચૂંટણીમાં પરાજય માયે આ બંને નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ આ નિવેદન વાયરલ થયા બાદ પાર્ટીએ બૃહસ્પત સિંહને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

દિલ્હીમાં કોંગ્રેસની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય નેતૃત્વને ચૂંટણીમાં હારના કારણોની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની દાવપેચ તેજ થઈ ગઈ છે. અત્યાર સુધી 2 નેતાઓએ હાર માટે રાજ્યના મોટા નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. પૂર્વ મંત્રી જયસિંહ અગ્રવાલે નામ લીધા વગર પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને હાર માટે જવાબદાર ગણાવ્યા છે. આ પછી પૂર્વ ધારાસભ્ય બૃહસ્પત સિંહે હાર માટે રાજ્યના પ્રભારી અને પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવને જવાબદાર ઠેરવ્યા છે. દરમિયાન કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ મલકિત સિંહ ગૈડુએ બૃહસ્પત સિંહને કારણ બતાવો નોટિસ ફટકારી છે. ગૈડુએ બૃહસ્પત સિંહને 3 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પાર્ટીએ જાહેર કરેલી નોટિસમાં કહ્યું છે કે, ચૂંટણીના પરિણામો બાદ તમારા દ્વારા પ્રદેશ પ્રભારી અને વરિષ્ઠ નેતાઓ પર જાહેરમાં કરાયેલા તથ્યવિહીન આક્ષેપો સોશિયલ મીડિયા દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ધ્યાન પર આવ્યા છે. તમારા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી પાર્ટીની છબી ખરડાય છે.