Site icon Revoi.in

માવઠાની વિદાય બાદ ગોંડલનું માર્કેટ યાર્ડ ખરીફ પાકની આવકથી ઊભરાયું

Social Share

ગોંડલ:  સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં માવઠાની આગાહીને કારણે માલની આવક પર રોક લગાવવામાં આવી હતી. હવે માવઠાની વિદાય બાદ તમામ યાર્ડ્સમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની પુષ્કળ આવક થતી હોય છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોની જણસી પલળે નહિ તેને ધ્યાનમાં રાખી ડુંગળી, લસણ, ધાણા, મરચા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી ની આવક શરૂ કરાતા વિવિધ જણસીની આવકથી યાર્ડ ઉભરાયું હતું મંગળવારે વિવિધ જણસી જેવી કે ડુંગળી, મરચા, કપાસ, લસણ, ધાણા, મગફળી સહિતની જણસીની આવક થઈ હતી.  જેમાં ડુંગળીની સૌથી વધુ 40 હજાર કટ્ટાની આવક થઈ હતી. મગફળીની 20 હજાર ગુણી, લસણની 16 હજાર કટ્ટાની આવક, કપાસની 10 હજાર ભારી, મરચાની ઓનલાઈન રજિસ્ટ્રેશન મુજબ 16 હજાર ભારીની આવક થવા પામી હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક સાથે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 800 રૂપિયા, લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 5031 રૂપિયા, મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 4500 રૂપિયા, કપાસના 20 કિલોના ભાવ રૂપિયા 1300 થી 1476 રૂપિયા તેમજ મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900 થી 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી પોતાની જણસી લઈને આવતા ખેડુતો જણસીના હરાજીમાં સારા એવા ભાવ બોલતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.