અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની વિદાય બાદ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 177થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવી અને અંજારમાં 8 ઈંચથી વધુ, તેમજ ભચાઉ, ભૂજ, જામનગર, ખંભાળિયા, મુંદ્રા, દ્વારકા, નખત્રાણા, કાલાવાડ અને લાધિકા સહિત તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ સહિત હાલ વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. જ્યા ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં શુક્રવારે રાત સુધીમાં 117 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ વાવ તાલુકામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. સાંતલપુરમાં તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાયાં હતાં. જેથી લોકો પરેશાન થયા હતા. બનાસકાંઠા, પાટણ બાદ હવે મહેસાણામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મહેસાણામાં પવનનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. તોફાની લહેરો અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. (file photo)