Site icon Revoi.in

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય

Social Share

સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. સાથે આજે સોના-ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એટલે જ્વેલરી ઉદ્યોગને એની માઠી અસર પડશે. કારણ કે ભાવ વધતાથી લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં 350થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે. જેમાંથી અનેક જ્વેલર્સ એક્સપોર્ટ પણ કરે છે. મંદીના માહોલમાં ઉત્પાદકો પાસે કામ ઘટ્યું છે. જ્યારે અમુક પાસે કામ જ નથી, જેથી ઉત્પાદકોએ અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી છે. જ્યારે ઘણા બધા જ્વેલર્સએ દિવસના કામકાજના 2થી 4 કલાકમાં ઘટાડો કર્યો છે. અમેરિકાની સાથે વિશ્વભરમાં હીરા ઉદ્યોગમાં ડિમાન્ડ ઘટતાં તેની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પણ થઈ રહી છે. માંગ ઓછી હોવાને કારણે શહેરના અમુક જ્વેલરી ઉત્પાદકોએ અઠવાડિયામાં 2 દિવસની રજા આપવાનું શરૂ કર્યું છે.  જ્વેલર્સ મેન્યુફેક્ચરને અગાઉ જે ઓર્ડર મળતા હતા એમાં ખાસ્સો ઘટાડો થયો છે. ઘણા જ્વેલર્સે કારીગરોને પણ છૂટા કરી દીધા છે.

જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડાયમંડ-જ્વેલરી સાથે ચાલતો ઉદ્યોગ છે, જેથી હાલ હીરાની સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ મંદી જોવા મળી રહી છે. કામ ન હોય તેવા ઉત્પાદકો કામના કલાક કે અઠવાડિયામાં 2 દિવસની રજા આપી રહ્યા છે.