અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોએ થોડા રાહત અનુભવી હતી. ધક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટણા પણ પડ્યા હતા, તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા મોજા ઉછલતા કરંટ જોવા મળ્યો હતો, અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવી પડી હતી. આમ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ હતી. ગુજરાતમાં 15મી જુન પહેલા મેઘરાજાનું વિધિવત આગમન થઈ જશે એવો હવામાન વિભાગે વર્તારો પણ આપ્યો હતો, દેશમાં પ્રથમ દક્ષિણ ભારતમાં કેરળથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. એટલે કે, કેરળમાં મેઘરાજાની પધરામણી બાદ ગુજરાતમાં 15 દિવસ બાદ વરસાદ પડતો હોય છે. એટલે કે કેરળમાં 1લી મેએ ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. પરંતુ આ વખતે બે-ત્રણ દિવસ કેરળમાં ચોમાસું મોડુ શરૂ થાય તેવી શક્યતા છે. એટલે કે, ગુજરાતમાં પણ 20 જુન બાદ મોઘરાજાની પધરામણી થશે. એવું હવામાન વિભાગના સૂત્રો કહી રહ્યા છે. બીજુ કે પવનની પેટર્નમાં પણ બે દિવસથી ફેરફાર થયો છે. દરમિયાન હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે, તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે, આમ હાલ અસહ્ય બફારા બાદ ફરીવાર આકરો તાપ સહન કરવો પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનની અસરથી આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજ્યના ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેરોનું તાપમાન 39 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.