ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નાણાની હેરાફેરી સામે ચૂંટણી પંચ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જ્યાં પોલીસ ઉપરાંત એસઆરપીના જવાનોનો બંદોબસ્ત ગોઠવીને તમામ વાહનોને ચેક કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ નાણાની હેરાફેરી રોકવા સ્ટેટેસ્ટિક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. ચેકપોસ્ટ સિવાયના અન્ય જગ્યાએથી વાહનો પસાર થાય નહી તેની તકેદારી રાખવાની સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમને સુચના આપી છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં અન્ય નવા માર્ગ બન્યા હોવાથી તેનો ઉપયોગ થાય નહી તેની પણ તકેદારી રાખવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે નાણાંકિય, રાજકીય પક્ષોના બેનર સહિતના સાહિત્યની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા ચૂંટણીપંચ દ્વારા સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની પાંચેય સીટોમાં કુલ-24 ચેક પોસ્ટ ઉભી કરીને ત્યાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે વાહનોના ચેકિંગની કામગીરીમાં મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીની હાજરીમાં કરવાની સુચના નવા નિમણુંક કરેલા ખર્ચ નિરીક્ષકોની સાથે મળેલી બેઠકમાં આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના 24 ચેક પોસ્ટમાંથી ગત વિધાનસભાની ચુંટણી વખતે જે ચેકપોસ્ટ ઉપરથી નાણાંકિય હેરાફેરી પકડાઇ હતી. તે ચેકપોસ્ટ ખાતે ચાંપતી નજર રાખવાની રહેશે. ઉપરાંત અન્ય ચેકપોસ્ટ ઉપર પણ બાજ નજર રખાશે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં અન્ય રસ્તાઓ બનાવાયા હોય તેવી જગ્યાએથી પણ વાહનોની અવર જવર રહેતી હોય ત્યાં પણ ખાસ વોચ રાખવાની પણ સુચના આપી હતી.
ગુજરાતના સરહદી વિસ્તારના રાષ્ટ્રીય ઘોરી માર્ગો પરની ચેક પોસ્ટ પર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેનો રિપોર્ટ સમયાંતરે ચૂંટણી પંચ મેળવી રહ્યું છે.