ચૂંટણી બાદ ગાંધીનગર સચિવાલયમાં બહારગામના લોકોનો ધસારો વધ્યો, મંત્રીઓ પણ કામે લાગ્યાં
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે ગાંધીનગરના સચિવાલયમાં લોકો પોતાના પ્રશ્નો માટે આવી રહ્યા છે. એટલે સ્વર્ણિમ સંકૂલમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સોમવારથી કેટલાક મંત્રીઓએ પણ કામકાજ શરૂ કરી દીધા છે. સચિવાલયના અધિકારીઓ પણ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. જો કે મહત્વના નિર્ણયોમાં હજુ પણ સરકારને ચૂટણી પંચની મંજુરી લેવી પડશે. ચૂંટણીના પરિણામ સુધી આચારસંહિતા અમલમાં રહેશે.
ગુજરાતમાં ગત. તા. 16મી માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. જેના કારણે ગુજરાત સરકાર કોઈપણ નવા નિર્ણયો કે નવી પ્રજાહિતની જાહેરાતો ચૂંટણી પંચની મંજુરી વિના કરી શકતી નહોતી. હવે ચૂંટણી બાદ આચારસંહિતા હળવી કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લીધે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ભાજપના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા હતા. તેથી સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં મીની વેકેશન જેવો માહોલ હતો. કેટલાક અપવાદોને બાદ કરતાં કોઈપણ મંત્રીઓ તેમની ઓફિસમાં ઉપસ્થિત રહેતા ન હતાં. ઉપરાંત સનદી સહિતના મોટાભાગના અધિકારીઓની ઓફિસોમાં પણ સૂનસામ જોવા મળતી હતી. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ગાંધીનગર સચિવાયલમાં ફરી મુલાકાતીઓને ધસારો જોવા મળી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ થતાં સરકારને મહત્વના આવશ્યક કામો માટે ચૂંટણી પંચની અનુમતી લેવી પડે છે. જો કે, સરકાર નીતિ વિષયક બાબતો અને સરકારની ચાલુ યોજનાઓ કે પ્રજાહિત માટે આવશ્યક હોય તેવા તમામ કામો કરી જ શકે છે. હવે ચૂંટણી પૂર્ણ થતાં સરકારના મંત્રીઓ પણ નવરા પડયાં છે એટલે સોમવારથી ઓફિસોમાં હાજરી આપી રહ્યા છે. સાથે જ મુલાકાતીઓ પણ પોતાના કામો માટે સચિવાલયમાં આવી રહ્યા છે.