Site icon Revoi.in

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 11 ફાયર ઓફિસરોની બદલીઓ કરીને વોર્ડ વાઈઝ કામગીરી સોંપાઈ

Social Share

રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સજાગ બન્યું છે. અને ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. અને વેપારીઓની રજુઆત બાદ નિયત સમયમાં ફાયર એનઓસી અનેબીયુ પરમિશન લેવાની શરતે સીલ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ હવે ફાયર વિભાગના માળખાને બે ભાગમાં વિભાજન કરીને કામગીરીના ભાગલા કરી દેવા દરખાસ્ત તૈયાર થઈ છે. એટલું જ નહિ ફાયર શાખામાં નવા 70 કર્મચારીઓની ભરતી માટે નિર્ણય કરવામાં આવ્યો છે.  દરમિયાન 11 સ્ટેશન ઓફિસરની બદલીઓ કરી નાખી તમામ ફાયર સ્ટેશનમાં ફેર બદલીઓ કરી દેવામાં આવી છે. આ સાથે જ તમામ ફાયર સ્ટેશન ઓફિસરને વોર્ડ વાઈઝ કામગીરી સોંપવામાં આવી છે.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સ્ટેશનમાં ત્રણ ત્રણ વર્ષથી એક જ સ્થળે કામ કરતા અધિકારીઓને બદલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ફાયર સ્ટેશનના ઓફિસરોના ઓર્ડર કરી દેવાયા હતા. તમામ ફાયર સ્ટેશન ઓફિસરની બદલી કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં વધુ કેટલાક કર્મચારીઓની બદલીઓ કરવામાં આવશે. ફાયર સ્ટેશન ઓફિસરની બદલી સાથે તેમને નવી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. આ ઉપરાંત બે વિંગમાં ફાયર શાખા કામ કરશે. જેમાંથી એક શાખાને એનઓસી માટેની તમામ કામગીરી કરવાની રહેશે. જ્યારે બીજો વિભાગ ફાયરના કોલ એટેન્ડ કરી રેસ્ક્યૂ સહિતની કામગીરી સંભાળશે. આ દિશામાં ઝડપથી નિર્ણયો આવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ફાયર એનઓસી તેમજ ફાયર વિભાગની મહત્વની કામગીરી અંગે દરેક વોર્ડ વિસ્તારની નજીકના મથકની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધી અધિકારી હુકમ કરે તે પ્રમાણે તપાસ અને અન્ય કામગીરી ચાલતી હતી. જેમાં માનીતા કર્મચારીઓને જ મલાઈદાર કામગીરી માટે રાખવામાં આવતા હતા. હવેથી દરેક કાયર સ્ટેશનમાંથી નિયત થયેલા વિસ્તારમાં નક્કી થયેલા અધિકારીએ જ તપાસણીની કામગીરી કરવાની રહેશે. દરેક વોર્ડમાં ફાળવણી થઈ છે અને તે પ્રમાણે જ રિપોર્ટ લેવાશે.