ભાવનગરઃ જિલ્લામાં ગારિયાધાર અને જેસર તાલુકામાં શુક્રવારે વરસાદ પડ્યા બાદ શનિવારે પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉપરાંત પાલિતાણામાં પણ વરસાદ પડતા ખેડુતો વાવણીના કામે લાગ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં હજુ ત્રણ દિવસ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
ભાવનગર જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે ભાવનગર શહેરમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. શુક્રવારે પાલિતાણા બાદ શનિવારે સતત બીજા દિવસે જેસર અને ગારિયાધાર પંથકમાં ગાજવીજ સાથે વાવવણીલાયક એક ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગારિયાધાર અને જેસર શહેર તથા પંથકના ઘણાં ગામડાંઓમાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. દિવસ દરમિયાન ગારિયાધારમાં પોણા બે ઈંચ, જેસરમાં એક ઈંચ અને તળાજામાં એક એમએમ વરસાદ નોંધાયો હતો.
ગારિયાધારમાં શનિવારે દિવસ દરમિયાન પોણા બે ઈંચ જેટલો વરસાદ (46 એમએમ) પડયો હતો. ગારિયાધાર શહેર ઉપરાંત વેળાવદર, બેલા, વીરડી, પચ્છેગામ સહિતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ગારિયાધાર પંથકમાં પહેલા વરસાદે જ પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી વરસાદ આવતાની સાથે જ વીજળી ડૂલ થઈ હતી. ગારિયાધાર ઉપરાંત જેસર પંથકમાં પણ શનિવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન જેસરમાં એક ઈંચથી વધું (25 એમએમ) વરસાદ પડયો હતો. જેસર શહેર ઉપરાંત તાલુકાના દેપલા, રાજપરા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગર શહેરમાં હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જિલ્લામાં સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેડૂતો ભીમ અગિયારસના દિવસે વાવણીનું મૂહુર્ત કરતા હોય છે ત્યારે આ વરસાદે ખેડૂતોનું મુહૂર્ત સાચવી લીધું છે અને આ વર્ષ સારું રહે તેવું જગનો તાત ઈચ્છી રહ્યો છે.