- ડેન્ગ્યુના 68 કેસ, ચિકનગુનિયાના 5 કેસ, મલેરિયાના 22 કેસ નોંધાયા,
- ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાગતી લાંબી લાઈનો,
- મચ્છરોના નાશ માટે આરોગ્ય વિભાગની ઝૂંબેશ
વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પૂરની આફત બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાઓ માથું ઉંચક્યુ છે. અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરા સહિતના કેસમાં વધારો થયો છે. છેલ્લાં 14 દિવસોમાં ડેન્ગ્યુના 68 કેસ, ચિકનગુનિયાના 5 કેસ, મલેરિયાના 22 કેસ અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા ઊલટીના કેસમાં પણ વધારો થયો છે. આ આકડાં સરકારી હોસ્પિટલોના છે, જ્યારે ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં વર્ષોથી મચ્છરોના ત્રાસ છે. પણ પૂરની સ્થિતિ બાદ રોડ-રસ્તાઓ પર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકન ગુનિયા સહિતના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ઝાડા-ઊલટીના દર્દીઓમાં પણ વધારો થયો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે.
વડોદરા શહેરમાંથી ડેન્ગ્યુના કેસો જે વિસ્તારમાંથી વધુ નોંધાયા છે. જેમાં ખાસ કરીને ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, સુભાનપુરા, તરસાલી, કિશનવાડી, અકોટા, રામદેવનગર, યમુના મિલ, ફતેગંજ, ફતેપુરા, આદર્શનગર, શિયાબાગ, એકતાનગર, મુજમોહૂડા, દિવાળીપુરા, વારસિયા, માણેજા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, સમા, ગોરવા, પાણીગેટ, ગોકુલનગર જેવાં વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે મલેરિયાના પણ મોટાભાગના કેસો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની સુચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અતર્ગત તા. 15ના રોજ કરેલી કામગીરીના સંદર્ભમાં કુલ 101 ટીમ દ્વારા કુલ 174 વિસ્તારોની મુલાકાત લઈને 15,086 ઘરો તપાસીને 8,578 મકાનોમાં ફોગિંગ કરવામાં આવું છે. 28,807 પાત્રોની ટ્રીટમેન્ટ કરવામાં આવી. જ્યારે 1 કન્સ્ટ્રકશન સાઈટ ચકાસી છે. જેમાં આજ દિન સુધીમાં કુલ 294માં નોટિસ પાઠવી છે. તેમજ સ્કૂલ-હોસ્ટેલમાં આજ દિન સુધીમાં કુલ 109 જેટલી સ્કૂલ-હોસ્ટેલમાં નોટિસ પાઠવી છે. આ ઉપરાંત કામગીરી દરમિયાન કુલ 2103 વાહક જન્ય રોગ ટકાયત અંગેની પત્રિકાની વહેંચણી કરવામાં આવી છે.