Site icon Revoi.in

અમદાવાદમાં ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સૈજપુરમાં પાણી ભરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા સપ્તાહથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાંયે અને બફારો વધવા છતાંયે વરસાદ પડતો નહતો. ત્યારે ગત મોડી રાત્રે અને આજે સોમવારે બપોરે શહેરના ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, થલતેજ, સેટેલાઈટ, આંબાવાડી, પાલડી, તેમજ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  સૈજપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા. લોકોએ વાહનોને ધક્કા મારવા પડ્યા હતા.

અમદાવાદ શહેરમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર દોઢ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં સ્કૂલવાન બંધ પડી ગઇ હતી. આથી વિદ્યાર્થીઓએ પાણીમાં ઊતરી વાનને ધક્કો મારવો પડ્યો હતો. અસારવામાં ઘૂંટણસમાં પાણી ભરાતા બેથી ત્રણ એએમટીએસ બસ બંધ પડી હતી. તેમજ અસારવામાં એક અને ચામુંડા બ્રિજ પાસે એક એમ બે એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઇ હતી.

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના શાહીબાગ, ઘાટલોડિયા,ગોતા, વેજલપુર, જીવરાજ, પ્રહલાદનગર, સરદારનગર, ચાંદખેડા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.  ઉપરાંત શહેરના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.

અમદાવાદમાં આજે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલડી, એલિસબ્રિજ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે વાડજ, ઉસ્માનપુરા, સુભાષ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. હાલ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં વરસાદે વિરામ લીધો હતો. થોડા વિરામ બાદ હવે આજે સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદ મન મૂકીને વરસ્યો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વધુમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.