Site icon Revoi.in

અમદાવાદમાં પાલડીના અંડરબ્રિજના લોકાર્પણ બાદ અધૂરૂ કામ યાદ આવતા અંડરબ્રિજબંધ કરાયો

Social Share

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ.82 કરોડના ખર્ચે બનાવાયેલા સ્વ. ધીરુભાઈ શાહ અંડરપાસનું સોમવારે જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ એએમસીના અધિકારીઓને અધૂરૂ કામ યાદ આવતા અંડરબ્રિજ પખવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પર એમએમસીના અંધેર વહિવટની ટીકાઓ થઈ રહી છે. જો કે એએમસીના અધિકારીઓએ એવો દાવો કર્યો છે. કે,  પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતાં ચાર રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય એવું ધ્યાનમાં આવતાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 માર્ચને સોમવારના રોજ પાલડીના અંડરબ્રિજનું ઉદઘાટન તો કરી દીધું, પણ એએમસીના અધિકારીઓના અણઘડ આયોજનના અભાવે ખૂલ્લો મુકાયેલો અંડરબ્રિજ બંધ કરવો પડ્યો છે. મ્યુનિ.ના અધિકારીઓ એવું કહી રહ્યા છે. કે,  પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતાં ચાર રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય એવું  ધ્યાનમાં આવતાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી જલારામ મંદિર પાસેના અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જોકે અંડરપાસમાં પાલડી તરફ બહાર નીકળતા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે. પાલડી તરફ બે મોબાઈલ ટાવર નડતા હતા, જેમાંથી એક ટાવર દૂર કરી દેવામાં આવ્યો છે. બીજો ટાવર એક બે દિવસમાં દૂર કરી દેવામાં આવશે. ત્યાર બાદ નવી ડિઝાઈન કરી સર્કલ બનાવવામાં આવશે. જો કે આ વિસ્તારના નાગરિકો એવો પ્રશ્ન કરી રહ્યા છે. કે,  કામ બાકી જ હતું તો અંડરપાસ બ્રિજના લોકાર્પણ કરવાની ઉતાવળ કેમ કરવામાં આવી, અધિકારીઓને કામ પૂર્ણ થયા બાદ બધુ કેમ યાદ આવે છે.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં પાલડી અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જ્યારે અંડરપાસ બનાવવા માટે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે સ્થાનિક રાજકારણીઓ અને લોકો દ્વારા અંડરપાસને લઈ રોડ બંધ થવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. એ બાદ મેટ્રો પ્રોજેક્ટ રેલવે વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ત્રણેય વચ્ચે કોણ અંડર પાસ બનાવશે એ મામલે પણ વિવાદ થયો હતો, જેના કારણે અંડરપાસની કામગીરી પાંચ વર્ષ સુધી પૂર્ણ થઈ શકી નહોતી. હવે જ્યારે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટ્રાફિકનો પ્રશ્ન યાદ આવ્યો અને હવે નવી ડિઝાઈન પ્રમાણે અંડરપાસ પાસે સર્કલ બનાવવા માટે થઈ હજી 10 દિવસનો સમય લગાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગ અને ઇજનેર વિભાગના બેદરકારીના કારણે નાગરિકો માટે હજી પણ અંડરપાસ શરૂ કરાશે નહીં.