અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકો વધતી જાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ રેકર્ડબ્રેક ભાવ વધારા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ભાવમાં મામુલી ઘટાડો થયો છે. પણ પેટ્રોલ –ડિઝલના ભાવ વધારાને કારણે જે ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો કરાયો હતો તેના ભાવ ઘટે તેમ લાગતું નથી. બીજીબાજુ રાધણ ગેસ ત્યારબાદ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં વધારો કરાયા બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારા બાદ તેજી અટકતા વાહન ચાલકોને માંડ રાહત મળી છે ત્યાં હવે સીએનજીમાં ભાવ વધારો ઝીંકાતા નવો બોજ સર્જાયો છે. ગુજરાતમાં સીએનજીનું વેચાણ કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા રાતોરાત બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. કંપનીના સુત્રોએ કહ્યું કે સીએનજીનો ભાવ રૂા.52.45 હતો તેમાં બે રૂપિયાનો વધારો કરાયો છે અને મધરાતથી જ તે લાગુ પાડી દેવામાં આવ્યો છે.નવો ભાવ 54.45 થયો છે.
સુત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી સીએનજીનાં ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી. આ દરમિયાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી ભાવ વધારો કરાયો છે. રાજયમાં 450 જેટલા સીએનજી પંપ મારફત અંદાજીત 7 લાખ વાહનોને ઈંધણ પુરૂ પાડે છે. સીએનજી મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ પીએનજીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી રાહત છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પીએનજીમાં ભાવ વધારો કરાયો હતો. તે 37.51 કરાતા મોરબી તથા સુરેન્દ્રનગરનાં ઉદ્યોગો પર મોટો બોજ પડતાં ઉહાપોહ સર્જાયો છે.