Site icon Revoi.in

ભાવનગરના તળાજા વિસ્તારમાં દીપડાની વસતીમાં વધારા બાદ હવે સિંહ પરિવારે અડ્ડો જમાવ્યો

Social Share

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડા વારંવાર સીમના રખડું તથા પાલતુ ઢોરનો શિકાર કરી નાસી જવાના બનાવો વધી ગયા છે. ઉપરાંત હવે આ વિસ્તારમાં સિંહ પરિવારે પણ વસવાટ શરૂ કર્યો છે. તાજેતરમાં કોદીયા ગામની સીમમાં સિંહે ઢોરનું માલણ કર્યું હતું, તેમજ તળાજા નજીક કામરોળ ગામની સીમમાં સિંહની અવર-જવર નો વિડીયો પણ  વાયરલ થયો હતો. શેત્રુંજી કાંઠા તરફથી આવી ચડેલી એક સિંહણે ચાર સિંહ બાળ સાથે તળાજા નજીક જુદા જુદા સ્થળે દેખા દીધી હતી.  તળાજાનો બૃહદ ગીર વિસ્તાર વિશાળ હોય રાની પશુઓના પરિભ્રમણમા વન વિભાગ દ્વારા સતર્ક રહીને માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતોનો ભય ઓછો થાય તે માટે સુરક્ષાના પગલાં લેવા જોઈએ. જોકે કેટલાક ગામ લોકોનું કહેવું છે કે, વન્ય પશુઓના આવન જાવનથી વાડી ખેતરના ઉભા પાકને નુકસાન કરતા રોઝડાઓ, અને ભૂંડ વગેરે ઓછા થઈ જાય છે

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાજાતાલુકાના શેત્રુંજી નદી કાંઠા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી બે સિંહ પરિવારના આટા ફેરા જોવા મળી રહ્યા છે. જેમાં વાલર,તલ્લી, મેથળાની સીમ આસપાસ સિંહ શિકારની શોધમાં આટા ફેરા રહ્યા છે તેમજ આ તરફ કુંઢડા, કોદીયા, સાંગાણા, કામળોલ વિસ્તારમાં એક નર સિંહના આટા ફેરા નોંધાયા છે, જોકે કોઈ માલિકીના માલ ઢોરને કે કોઈ વ્યક્તિગત હુમલો કર્યાનો બનાવ બન્યો નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તળાજાના બૃહદગીર વિસ્તારમાં શિયાળાના પ્રારંભથી જ મહુવાનાં વાંગર, કતપર, કોટડાથી આગળ વધીને તળાજાનાં મેથળા-મધુવન, તલ્લી, વાલર આસપાસનાં અનામત વન વિસ્તારમાં સિંહ પરિવારોની આવન જાવન શરૂ થઇ જાય છે. તેમજ તળાજાનાં કુંઢડાની ડુંગરમાળ અને ગેબરવીડી થઇને શેત્રુંજી કાંઠામાં પણ સિંહ અને દીપડાઓ પણ ઉતરી આવે છે. સિંહ અને દિપડા તળાજાનાં શેત્રુંજી નદી કાંઠા અને નહેર વિસ્તારનાં ભેગાળી, કુંઢેલી, દાત્રડ, નેશિયા, સાંગાણા, કામળોલ, દેવળીયા, માયધાર, શેવાળીયા, પીંગળી, બાખલકા, મામસીથી આગળ વધીને સથરા અને અલંગ તરફ પાણીનાં સ્ત્રોત નજીક સીમમા, શેરડી, કેળ, અને જુવારનાં ઉભા પાકમાં તેમજ શેત્રુંજી નદીની લાંબી કોતરોમાં ઉપરાંત દરિયા કાંઠાના મેથળા, મધુવન, પ્રતાપરા, દાઠા, વાલર, વેજોદરી, તલ્લી સહીત કંઠાળ વિસ્તારની કોતરોમાં, બાવળોની કાંટયમાં આશ્રય સ્થાન બનાવી દિવસે આરામ ફરમાવી રાત્રી દરમિયાન સીમ-વગડામાં રઝળતા પશુઓનું મારણ કરીને જીવન નિર્વાહ કરે છે. વન વિભાગ સર્વેમાં 2005 માં જીલ્લામાં નર-માદા-બાળ સહિત 20 સિંહોની વસતી નોંધાઇ હતી. 2010 માં વૈજ્ઞાનીક ઢબે થયેલ ગણતરીમાં 32 નો વસવાટ નોંધાયો હતો. જેમાં તળાજા પંથકમાં 7 સિંહો વિચરતા જોવા મળ્યા હતા. છેલ્લે 2015ની ગણતરીમાં જીલ્લામાં 37 સિંહ માદા-બચ્ચા નોંધાયા હતાં. પરંતુ ત્યારબાદ થયેલ પુર પ્રકોપ બાદ રિસર્વેમાં આ સંખ્યા 41 ની થઇ હતી અને દિપડાઓ 20 થી 30 ની સંખ્યામાં લોકેટ થયાની વન વિભાગ દ્વારા જાણકારી અપાઇ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા દસકામાં સાસણગીર અભ્યારણમાંથી નિર્વાસીત થઇને તળાજા, મહુવા સહિત ગોહિલવાડનાં બૃહદગીર જાહેર કરેલા વન વિસ્તારમાં સિંહો અને દીપડાઓ આશ્રય મેળવી રહયા છે. ગીરનું નાકું ગણાંતા અમરેલીનાં ખાંભા નજીકની મિતિયાળાના ડુંગરમાળામાં થઇને વાયા સાવરકુંડલાની ધોળીકુઇ અને રાણીગાળાને પસાર કરીને જેસરની ટેકરીઓ, દેપલા ને રાણીગામ થઇને આ રાની પશુઓ બગદાણા થઇ કુંઢડા નજીકની વન વિભાગની વીડીમાં પ્રવેશી જાય છે. અહીંથી એક ફાંટો બગડ નદી કાંઠાની રાહે મધુવન, મેથળાનાં દરિયાઇ બાવળોનાં જંગલ વિસ્તારમાં સ્થાયી થયા હોય તેમ આજુબાજુનાં ગામોની સીમમાં દેખા દે છે. તેમજ બીજો ફાંટો શેત્રુંજી નદી કાંઠાનાં ભેગાળી, ટીમાણા નજીકથી શેત્રુંજી નહેર કાંઠા વિસ્તાર અને દિહોર ખોખરાની ડુંગરમાળ થઇ કયારેક ભાવનગર-ઘોઘાનાં વનક્ષેત્ર સુધી વિસ્તરી જાય છે.