Site icon Revoi.in

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં થયો ઘટાડો,

Social Share

રાજકોટઃ શહેરના હિરાસર ગામ નજીક કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સેવા તો શરૂ થઈ નથી. પણ ડોમેસ્ટીક સેવામાં પણ ઘટાડો થયો છે. ત્યારે રાજકોટથી દિલ્હી, મુંબઈની વહેલી સવાર, લેઇટ નાઈટ ફ્લાઈટ તેમજ ઉદયપુર, ચેન્નાઈ, દહેરાદૂન, ગોવા, ઇન્દોર, પુણેની કનેક્ટિંગ ફલાઇટ શરૂ કરવાની માગ ઊઠી છે.

રાજકોટમાં જૂનું એરપોર્ટ બંધ કરાયા બાદ શહેરથી 36 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા જ લોકોએ વિદેશી ફ્લાઈટની ઉડાનનું સપનું સેવ્યું હતું. જોકે, આ સપનું નજીકના ભવિષ્યમાં પરિપૂર્ણ થાય તેવી કોઈ જ આશા નથી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટે રાજકોટથી દિલ્હી, મુંબઈની વહેલી સવાર, લેઇટ નાઈટ ફ્લાઈટ તેમજ ઉદયપુર, ચેન્નાઈ, દહેરાદૂન, ગોવા, ઇન્દોર, પુણેની કનેક્ટિંગ ફલાઇટ શરૂ કરવાની માગ કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રહેલું જૂનું એરપોર્ટ બંધ થતાં હિરાસરમાં એરપોર્ટ શિફ્ટ થયાં બાદ તેને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું છે. પરંતુ ફ્લાઇટ વધવાને બદલે ઘટી છે. રન-વે પણ મોટો થઈ જતાં ફ્લાઇટ લેન્ડિંગની મૂશ્કેલી પણ દૂર થઈ છે. સિક્સ ટ્રેક લેનનું કામ બાકી છે. જેના લીધે ઘણા બધા મુસાફરોને ફ્લાઇટ છૂટી જાય છે અને રાજકોટ શહેરથી હિરાસર એરપોર્ટ 36 કિલોમીટર દૂર હોવાથી ત્યાં પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રાજકોટ શહેર MSME એટલે કે નાના ઉદ્યોગકારોનું હબ છે. ત્યારે વેપારીઓ અને મુસાફરોને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા ઘણી બધી આશાઓ હતી. ઘણાં બધાં વેપારીઓ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હોય છે. તહેવારોમાં લોકો પણ બહાર ફરવા માટે ફ્લાઈટમાં જતાં હોય છે. પરંતુ જરૂરિયાત મુજબની કોઈ જ ડિમાન્ડ સંતોષાય નથી. દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી કનેક્ટિંગ ફ્લાઇટનો લાભ મળે તે જરૂરી છે. મુંબઈથી વહેલી સવારની અને રાતની રિટર્ન ફ્લાઇટ દોડાવવામાં આવે તો વધુ મુસાફરો મળી શકે તેમ છે. આ ઉપરાંત રાજકોટથી મુંબઈ એ રીતે ફ્લાઇટ ચલાવવામાં આવે કે ત્યાંથી ચેન્નાઈ જઈ શકાય. એર ઇન્ડિયા અને ઇન્ડિગો સિવાય અન્ય એરલાઇન્સ પણ ફ્લાઇટ ચલાવે તે જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત રાજકોટમાં આટલા સારા ભાડા અને ફ્રિકવન્સી મળતી હોવા છતાં વિસ્તારા, ગો ફર્સ્ટ અને આકાશા જેવી એર લાઈન્સ ફ્લાઇટ શરૂ કરી રહી નથી. જે બાબતે લોકસભાના સભ્ય સહિતની એરપોર્ટ કમિટીએ વિચાર કરવો જોઈએ. આ સિવાય ઉદયપુરની ફ્લાઈટ તાજેતરમાં બંધ થઈ. સમર શિડ્યુલમાં ઈન્દોરની ફલાઇટ બંધ થવાની છે ત્યારે ઓછા મુસાફરોને કારણે એરલાઇન્સ ડાયરેક્ટ ફ્લાઇટ ન ચલાવી શકે તો કંઈ નહીં પરંતું કનેક્ટિંગ ફ્લાઇટ માટેની દિલ્હી અને મુંબઈની ફ્રિકવન્સી વધારી શકે તેમ છે. રાજકોટથી મુંબઈ અને મુંબઈથી ગોવાની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો દૈનિક ફ્લાઇટ ઉડાન ભરી શકે. જ્યારે હાલ ગોવાની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરે છે.