- અમદાવાદની-3 અને સુરત વડોદરા રાજકોટ સહિત 4 હોસ્પિટલનો સમાવેશ,
- ચાર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા,
- આરોગ્ય કેમ્પો માટે પણ સરકાર એસઓપી બનાવશે
અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓનો બીન જરૂરી હાર્ટ સર્જરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકારે લાલ આંખ કરીને પીએમજેવાય યોજનાઓમાં કથિત ગેરરીતિના મામલે 7 ખાનગી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ જાહેર કરી છે. આ ઉપરાંત ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર મફત આપવામાં આવે છે. દર્દીઓને ઓપરેશન સહિતનો ખર્ચ પણ ખાનગી હોસ્પિટલોને સરકાર દ્વારા ચુકવવામાં આવતો હોય છે. કેટલીક ખાનગી હોસ્પિટલો આ યોજનાનો લાભ ઉઠાવીને સરકાર પાસેથી તગડી રકમ મેળવતી હોય છે. જેમાં અમદાવાની ખ્યાતિ હોસ્પિટલમાં હેલ્થ કાર્ડ ધરાવતા દર્દીઓને બિન જરૂરી હાર્ટ ઓપરેશન અને દર્દીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરીને ખાનગી 7 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દીધી છે. ઉપરાંત ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડો. પ્રશાંત વઝિરાણી, ડો.હિરેન મશરૂ, ડો.કેતન કાલરીયા અને ડો.મિહિર શાહનો સમાવેશ થાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, PMJAY યોજનાઓમાંથી સરકારી સહાય મેળવવા માટે કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓને મોતની સજા આપી રહી છે. થોડાક રૂપિયા માટે આ હોસ્પિટલો દર્દીઓને બિનજરૂરી ચીરફાડ કરીને મોતને ઘાટ ઉતારી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે સરકારી રૂપિયા માટે અનેક દર્દીઓના દિલ ચીરી નાંખ્યા. ત્યારે હવે ગુજરાતના આરોગ્ય વિભાગે આ મામલે મોટું પગલું લીધું છે. PMJAY માંથી ગુજરાતભરની 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામા આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ અહીં કામ કરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોટા કાંડ કરનારા ડો પ્રશાંત વઝીરાણીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે.