- નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજામાં દબાણો દુર કરાયા,
- પોલીસનો સઘન બંદોબસ્ત, લોકોના ટોળાં ઉમટી પડ્યાં,
- દબાણો હટાવવાની એકાએક કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ
વડોદરાઃ શહેરમાં ભાજપના કોર્પોરેટરના પૂત્રની માથાભારે શખસએ હત્યા કર્યા બાદ પોલીસ અને મ્યુનિનું તંત્ર એક્શનમાં આવ્યુ છે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આરોપીના વિસ્તાર એવા નાગરવાડાના મચ્છીપીઠ અને તાંદલજા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી સમયે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. જોકે, આ કાર્યવાહી સમયે કોઈ અપ્રિય ઘટના બની નથી.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર એલર્ટ બન્યુ છે. માથાભારે આરોપીના મુસ્લિમ વિસ્તાર એવા નાગવાડાના મચ્છીપીઠમાં મ્યુનિનું દબાણ વિભાગ પહોંચ્યુ હતું. જોકે જેસીબી, ટ્રક અને માણસો લઈ નીકળેલી દબાણ શાખા મચ્છીપીઠ પહોંચે તે પહેલાં જ લારી-ગલ્લાનાં દબાણો હટી ગયાં હતાં.જ્યારે 21 શેડ, 9 ઓટલા તોડી,9 ટ્રક ભરી સમાન જપ્ત કરાયો હતો.
સૂત્રોના કહેવા મુજબ વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા- નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે આજે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છી પીઠ સલાટવાળા – નાગરવાડા રોડ ઉપરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ મ્યુનિ.એ કોઈની શેહશરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક રાહે કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ મ્યુનિની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ટોળે વળેલા લોકો કશું કરી શક્યા ન હતા.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા શહેરના નાગરવાડા રોડ ઉપર દબાણો દુર કરવાની કાર્યવાહી શરૂ કરતાં જ વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. તે સાથે આ વિસ્તારમાં ભારે ચકચાર પણ મચી ગઈ હતી અને લોકો દ્વારા નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાને પગલે આ દબાણો દૂર કરાવવામાં આવી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. મ્યુનિ. દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં પણ કિસ્મત ચોકડી,તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.