Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો ખટરાગ બહાર આવ્યો અને હવે ખૂલ્લીને બોલવા લાગ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષ બહાર આવી રહ્યો છે. અમરેલીના ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોની રાત-દિવસ કામ કરનારા કાર્યકર્તાની ઉપેક્ષા થઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ આવતા આગેવાનો-કાર્યકરોને પાર્ટીમાં આવકાર મળે તે બરોબર છે પરંતુ કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ મળે છે. આ બાબતે ભાજપ કાર્યકરોમાં વ્યાપક નારાજગી છે. કાછડિયાના આ નિવેદન બાદ માણાવદરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાયાની ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો છે. આમ ભાજપના નેતાઓ વચ્ચેનો ખટરાગ હવે બહાર આવી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા અમરેલી જિલ્લામાં કદાવર નેતા દિલીપ સંઘાણી બાદ બીજો અવાજ વિદાય લેતા સાંસદ નારણ કાછડીયાએ ઉઠાવતા અમરેલી જિલ્લા ભાજપના ભડકાથી મોવડી મંડળ પણ સ્તબ્ધ થયું છે. સાવરકુંડલા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં વિદાય લેનારા સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીના કામ કરતા કાર્યકરોની કદર થતી નથી. ભાજપ પાર્ટીમાં ઘણા વર્ષોથી કામ કરતા અને પાર્ટીના કામમાં દિવસ રાત એક કરનાર કાર્યકરોની ઉપેક્ષા થઈ રહ્યાનો આરોપ મુકયો હતો. તેમજ ઓછા મતદાન માટે પાર્ટી નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા .

તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના લોકોને લેવાના કારણે ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે. અન્ય પક્ષોના આગેવાનો પર ધ્યાન અપાયું હોવાના કારણે પક્ષના કાર્યકરો ઘરે બેસતાં સૌથી ઓછું મતદાન થયું હતું.  કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ મળે છે. આ બાબતે ભાજપ કાર્યકરોમાં નારાજગી છે.

અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે. માણાવદરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાયાની ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો છે. અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી સામે આવી હતી. જોકે, હવે મતદાન પહેલા જવાહર ચાવડાએ વિરોધ પક્ષને મતદાન આપવા કહ્યું હોવાનો આરોપ લાગ્યો છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.