- પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર
- લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત
- ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે. લોકો ઘઉંના લોટની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. તેમ છતા લોકોને યોગ્ય લોટ નહીં મળતો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ શરીફ સરકારે પ્રજા ઉપર વધારે આકરો બોજ નાખ્યો છે. શરીફ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 35-35 અને કેરોસીન તથા લાઈટ ડિઝલના ભાવમાં 18-19નો વધારો કર્યો છે. આમ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ વધીને 250 અને ડિઝલનો ભાવ 263 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ પેટ્રોલના ભાવ વધારાની જાહેરાતને પગલે લોકોએ પેટ્રોલની ખરીદી માટે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લગાવી હતી. બીજી તરફ કરાંચી સહિતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની અછતનું કારણ આગળ ધરીને પંપ ઉપર વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ઈંઘણના ભાવમાં થયેલા વધારેને પગલે પ્રજામાં નારાજગી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં શરીફ સરકારે પેટ્રોલ, ડિઝલના ભાવમાં રૂ. 35-35 અને કેરોસીન તથા લાઈટ ડિઝલના ભાવમાં 19-19નો વધારો કરવામાં આવ્યો છે. આમ ભાવ વધીને પેટ્રોલનો ભાવ 250, ડિઝલનો ભાવ 263, કેરોસીનનો ભાવ 190 તથા લાઈટ ડિઝલનો ભાવ વધીને રૂ. 187 થયો છે. આંતરરાષ્ટ્રીય કિંમતમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારાને પગલે ઈંધણના ભાવમાં વધારો કરાયોનો સરકારે લુલો બચાવ કર્યો છે. શરીફ સરકારે જણાવ્યું હતું કે, ક્રુડ ઓઈલની કંમતમાં 11 ટકાનો વધારો થયો છે, છેલ્લા ચાર મહિના સુધી એક વખત પણ ઈઘણની કિંમતમાં કોઈ વધારો નથી કરાયો, પરંતુ પ્રજાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 18-20નો ઘટાડો કરાયો અને કેરોસીનમાં 30નો ઘટાડો કરાયો હતો. ભાવ વધારાની જાણ થતા જ મોટી સંખ્યામાં વાહન ચાલકો નજીકના પેટ્રોલ પંપ ઉપર ઈંઘણ પુરાવવા દોડી ગયા હતા. જો કે, કરાંચી, ઈસ્લામાબાદ સહિતના કેટલાક પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો પુરતો જથ્થો નહીં હોવાથી બંધ કરાયાનું સામે આવ્યું હતું. તેમજ પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બીજી તરફ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરાયાં હતા. તેમજ આગામી દિવસોમાં ફરીથી ઈંધણમાં વધારા માટે પ્રજાને તૈયાર રહેવા માટે તાકીદ કરીને શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મોંઘવારીનો સામનો કરી રહેલી પ્રજા ઉપર ઈંઘણના ભાવ વધારાનો બોજો નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.