Site icon Revoi.in

મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, બેટ દ્વારકામાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ મામલે 25 બોટ સસ્પેન્ડ

Social Share

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આવી ફરીથી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પુલ સહિતના સ્થળોને લઈને પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બેટદ્વારકા ખાતે પ્રવાસીઓને લઈને જતી બોટોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ક્ષમતા કરતા પ્રવાસીઓને લઈ જવા માટે 25 જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે એક બોટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

મોરબીના ઝૂલતા પુલના તુટવાની ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ રોપ વે, ફેરી બોટ અને ઓવર ક્રાઉડ સ્થળો પર તપાસ કરવાના આદેશ આપવામાં આ્વ્યા છે. જે સંદર્ભમાં ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 25 જેટલી બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેમને નિયમ મુજબ કામગીરી કરવા અને ઓવર લોડ પેસેન્જર ન ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. જ્યારે સુરક્ષા એજન્સી સાથે ગેરવર્તન કરનાર એક બોટના માલિકની બોટ અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ ઓખા બેટ દ્વારકા વચ્ચે 173 જેટલી ફેરી સર્વિસ બોટ ચાલે છે. તેમજ દિવાળીના તહેવારોને પગલે મોટી સંખ્યામાં દરરોજ શ્રદ્ધાળુઓ દ્વારકામાં આવી રહ્યાં છે અને બોટ મારફતે બટ દ્વારકા દર્શન કરવા જાય છે, તેમજ તાજેતરમાં જ બેટ દ્વારકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કેટલીક બોટોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડેલા જોવા મળ્યાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.