અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજતા ચૂંટણી ટાણે જ ભાજપ સરકાર લોકોની ટીકાઓનો મારો સહન કરી રહી છે. હવે રાજ્યમાં આવી ફરીવાર ઘટના ન બને તે માટે સરકારે કડક નિર્દેશો જાહેર કર્યા છે. હવે દૂધની દાઝેલી સરકાર છાશ પણ ફુંકીને પીએ છે. એટલે કે, સુદામા સેતુ મુલાકાતીઓ માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બેટ દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડને કારણે બેટ દ્વારકાની બોટમાં મુસાફરોના અવરજવરને કંટ્રોલમાં લાવવા માટે તથા સરળ વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં તમામ રોપ વેના સંચાલકોને પણ સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા મહેસૂલી તંત્રની ટીમને લઈ બેટ દ્વારકા પહોંચ્યા હતા. મોરબીની મચ્છુ નદીના પુલ હોનારતને ધ્યાને લઈ સુદામા સેતુ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ તેની સેફટી અંગે તપાસ કરવા એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા હતા. વહિવટી અધિકારીઓ બેટ દ્વારકા જેટી તથા ઓખા જેટીની સ્થળ મુલાકાત લીધી હતી.. તેમની સાથે ઓખા પોલીસ, જીએમબી, સહિતના અધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓએ ફેરીબોટમાં ક્ષમતા કરતા દશ લોકો ઓછા બેસાડવાની તાકીદ કરી હતી. તથા ફેરી બોટની અંદર લાઈફ જેકેટ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. તેની સાથે ઓખા જેટી અને બેટ દ્વારકા જીટી પર સુરક્ષા અને તરવૈયાઓની ટીમ હાજર રાખવામાં આવી છે.
દરમિયાન દેવભૂમિ દ્વારકાના પ્રાંત આધારિત અધિકારીના જણાવ્યા મુજબ સુદામા સેતુ પર 100 લોકોને એન્ટ્રી મળ્યા બાદ અને તેઓએ સુદામા સેતુ પાર કર્યા બાદ ફરી 100 લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. પરંતુ ભીડ તથા લોકોની સુખાકારીને ધ્યાન લેતા અને મોરબીની મચ્છુ નદીના પુલ હોનારતને ધ્યાને લઈ દ્વારકામાં સુદામા સેતુ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સુદામા સેતુની સેફટી અંગે એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે અને એન્જિનિયરોની ખરાઈ કર્યા બાદ પ્રવાસીઓને તે પુલ પરથી અવર-જવર કરવા માટેની પરવાનગી આપવામાં આવશે.