અમદાવાદ: શહેરમાં જાહેર રોડ-રસ્તાથી લઈને શોપિંગ મોલ, તેમજ તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા માટે મ્યુનિ.કમિશનર સતત આગ્રહી રહેતા હોય છે. દરમિયાન મ્યુનિ.કમિશનરે શહેરમાં ગંદકી કરનારા સામે દંડ અને સીલની ઝૂંબેશ હાથ ધરવા એએમસીના સોલિડ વેસ્ટ વિભાગને આદેશ આપતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર અને વિઝન આઇ એકમને ગંદકી મુદ્દે સીલ કરાયું હતું. ઉપરાંત એક જ દિવસમાં 86 જેટલા એકમો તપાસતા, આ પ્રકારના કૃત્ય બદલ 23 નોટિસો ઇસ્યુ કરી, 07 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 29 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેર સ્વચ્છતા મામલે સૌથી અગ્રસેર રહે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો દ્વારા એએમસીના સ્વચ્છતા અભિયાનું ઉલ્લંઘન તેમજ સ્વચ્છતાના નિયમ વિરૂદ્ધ જઇ કામ કરનારા એકમો સામે એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને વિઝન આઇ એકમને એએમસી દ્વારા ગંદકી મુદ્દે સીલ કરાયું હતું. ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યૂસન્સ કરતાં એકમ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટકીનો ઉપયોગ, વેચાણ સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા એકમો સામે કાર્યવાહીની ઝૂંબેશ ચાલી રહી છે. જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કામગીરી અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા-જુદા વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમનો નોટિસ ફટકારવામાં આવી હતી.
એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ઉતર પશ્ચિમ ઝોનમાં તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યૂસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં 86 જેટલા એકમો તપાસતા, આ પ્રકારના કૃત્ય બદલ 23 નોટિસો ઇસ્યુ કરી, 07 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 29 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેર રોડ પર કચરો નાખવા બદલ ગોતા વિસ્તારમાં આવેલા મહાદેવ પાન પાર્લર અને ઘાટલોડિયામાં આવેલા વિઝન આઇ એકમ સીલ કરાયું હતું. ઉતર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનારા એકમ સામે જરૂરી દંડનીય કાર્યવાહી કરી છે. શહેરીજનોમાં સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતા તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસમાં સખત પગલા લેવાની કાર્યવાહી ચાલુ રહેશે.