Site icon Revoi.in

મંત્રીમંડળમાં સ્થાનને લઈને એનસીપી બાદ હવે શિવસેનામાં પણ નારાજગી

Social Share

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન એનડીએમાં મંત્રીમંડળને લઈને અસંતોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મામલે એનસીપીના નેતા અજિત પવાર નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન શિવસેનાના નેતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણે જણાવ્યું હતું કે, રવિવારે મંત્રીમંડળે જે શપથગ્રહણ કર્યાં છે. તેમાં કેબિનેટમાં શિવસેનાને સ્થાન મળવાની આશા હતી.

શ્રીરંગ બારણે જણાવ્યું હતું કે, મંત્રીમંડળમાં શિવસેનાને કેબિનેટ મંત્રીનું પદ મળવાની આશા હતી. કર્ણાટકના એચડી કુમાર સ્વામીની પાર્ટીના બે સાંસદ છે, તેમને કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. જીતનરામ માંઝી એક માત્ર સાંસદ છે તેમને કેબિનેટ મંત્રીનું પદ મળ્યું છે. ચિરાગ પાસવાનની પાર્ટીના પાંચ સાંસદ જીત્યાં છે. તેમ છતા તેમને કેબિનેટનું મંત્રી પદ મળ્યું છે. શિવસેનાના સાત સાંસદ છે, જ્યારે અમે 19 બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. ભાજપના 9 સાંસદ છે જેઓ 28 બેઠકો ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. અમને આશા હતી કે શિવસેનાને એક કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ભાજપાના સૌથી જુના સહયોગી છીએ. તેમ છતા અમને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળ્યું છે. 3 મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. જ્યારે અમે ચૂંટણીમાં એક સાથે જઈશું તો તેનો વિચાર કરીને શિવસેનાને યોગ્ય ભૂમિકા મળવી જોઈએ. 61 મંત્રી તો માત્ર ભાજપાના જ છે. મહારાષ્ટ્રને પણ યોગ્ય સ્થાન મંત્રીમંડળમાં મળ્યું નથી. અમે એકનાથ શિંદે સમક્ષ અમારો મત રજુ કર્યો છે. હવે આ અંગે ભાજપાએ યોગ્ય નિર્ણય લેવાનો છે. અમારી ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ.