Site icon Revoi.in

વડોદરામાં વરસાદી પાણી ઉતરી ગયા બાદ ભાજપના નેતાઓ મુલાકાતે નીકળતા લોકોએ ઉધડો લીધો

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં લોકોએ આખીરાત ઉજાગરો કરીને રસ્તાઓ અને ઘરોમાં ભરાયેલા પાણી ઉતરે તેની રાહ જોઈ હતી. ત્યારબાદ પાણી ઉતારી ગયાના બે દિવસ બાદ ભાજપના નેતાઓ લોકોની ખબર-અંતર પૂછવા નીકળતા લોકોએ ઉધડો લીધો હતો. કેટલાક નેતાઓએ માત્ર એક ફુટ ભરાયેલા પાણીમાં ટ્રેકટરમાં સવાર થઈને આવ્યા હતા. આમ લોકોમાં ભાજપના નેતાઓ હાંસીને પાત્ર બન્યા હતા.

વડોદરા શહેર સહિત જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદથી ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓ જ્યારે પાણીમાં ગરકાવ હતા ત્યારે કોઈ નેતાઓ કે અધિકારીઓ પાસે ફરવાનો પણ સમય નહોતો હવે પાણી ઉતરી ગયા બાદ ટ્રેક્ટર લઈને સાવલીના MLA અને BJPના સ્થાનિક મહિલા કાઉન્સિલર પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે પહોંચતાં લોકોમાં હાંસીને પાત્ર બન્યા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, વડોદરા સ્માર્ટ સિટી બન્યું નથી પરંતુ, નેતાઓની રહેણી-કરણી સ્માર્ટ બની ગઇ છે.

વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદાર અને BJP કાઉન્સિલર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં વરસાદી પાણી ઓસરવાનું શરૂ થતા અધિકારીઓને સાથે રાખીને ટ્રેક્ટરની સવારી કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. અને અલગ-અલગ ગામોમાં જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સ્થિતિનું નિરીક્ષણ કરવામાં ટીડીઓ અને મામલતદાર પણ જોડાયા છે. દરમિયાન સ્થાનિક લોકોએ બળાપો વ્યક્ત કર્યો હતો કે,  અત્યારસુધી પાણી ભરાયેલા હતા ત્યારે કોઈ ખબર કાઢવા ફરક્યું નહોતું. હવે પાણી ઓસરવાના શરૂ થતા ધારાસભ્ય સહિત નેતાઓ દોડી આવ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, દર વર્ષે સામન્ય વરસાદ પડે ત્યારે રહીશોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. દર વખતે પાણી ભરાય જાય છે. આ સમસ્યાનો કાયમી નિકાલ કરાતો નથી. નેતાઓ આવીને માત્ર ફોટા પડાવી જતા રહે છે.