ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે. ફાયર એનઓસી નહોય અને ગેરકાયદે ચાલતા ગેમ ઝોનને બંધ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા 15 ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા છે. આ ગેમઝોનને ક્લોઝર નોટીસ આપીને સરકારમાંથી નવી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે. સરકાર દ્વારા નવા નિયમો નક્કી નહીં થાય ત્યાં સુધી આ ગેમઝોન ચાલું થઇ શકશે નહીં. બીજીતરફ દહેગામ અને ચિલોડામાં પણ ફનફેર તથા ગેમઝોન બંધ કરાવી દેવાયા છે.
ગુજરાત સરકારના આદેશના પગલે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ શાખાના અધિકારીઓની ત્રણ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં કુલ 19 ગેમઝોનની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ તે પૈકી 4 ગેમ ઝોન અગાઉથી જ કાયમી ધોરણે બંધ થઇ ગયા હોવાથી 15 ગેમઝોનમાં તપાસ કરાઇ હતી. જે પૈકી અનેક ગેમઝોનમાં ખામી જોવા મળી હતી. હાલ મ્યુનિ. દ્વારા તમામ ગેમઝોનને ક્લોઝર નોટીસ આપીને બંધ કરાવવામાં આવ્યા છે. જે ગેમઝોનમાં ફાયર સેફ્ટી, એનઓસી સહિત તમામ વ્યવસ્થા નિયમ મુજબ છે તે પણ હાલમાં શરૂ થઇ શકશે નહીં. બીજીતરફ જે ગેમઝોનમાં ખામી જણાઇ હતી તેને તાત્કાલિક યોગ્ય કરવા સૂચના આપવામાં આવી છે. અનેક ગેમઝોનમાં ફાયર એનઓસી ન હતું, કેટલાકમાં ફાયરના સાધનો અપૂરતા હતા તો ક્યાંક એન્ટ્રી- એક્ઝિટના ગેટ અલગ ન હતા. આ તમામ બાબતોની પૂર્તતા કરવા તાકીદ કરાઇ છે. સરકારના આદેશ બાદ ફરી આ ગેમઝોન ચાલું કરવાના થશે ત્યારે ખામીઓ દુરસ્ત કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ ગેમઝોન શરૂ કરવાની મંજૂરી અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંઘીનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ગેમઝોન અને ફનફેર સામે પણ કલેક્ટરની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી દ્વારા દહેગામ શહેરમાં ચાલતા ફનફેરને બંધ કરાવવામાં આવ્યો છે. બીજો એક ફનફેર આગામી દિવસોમાં શરૂ થવાનો હતો તેની મંજૂરી રદ કરવામાં આવી છે. તે જ પ્રકારે હિંમતનગર હાઇવે પર ચિલોડા વિસ્તારમાં આવેલો ગેમઝોન બંધ કરાવાયો છે.