અમદાવાદઃ રાજકોટના ટીપીઆર ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તેની તપાસ શરુ કરી દીધી છે. શાળાઓ પાસે ફાયર સેફ્ટીની કેવી વ્યવસ્થા છે અને જો ફાયર સેફ્ટી છે તો તે કાર્યરત હાલતમાં છે કે કેમ અને તેની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.
ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા શિક્ષણધિકારીએ પણ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે અને ફાયર એનઓસીને લઈને તપાસ શરુ કરી દીધી છે. દરેક શાળાઓને એક સરક્યુલર મોકલવામાં આવ્યો છે. જેમાં શાળાઓ પાસે ફાયર સિસ્ટમ છે કે નહિ અને ફાયર એનઓસી છે કે નહિ તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલ શાળાઓમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે પરંતુ આગામી 13 જુનથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ રહ્યું છે. આ શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલા શાળાઓમાં ફાયર એનઓસી છે કે નહિ ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહિ તેની માહિતીનો એક રિપોર્ટ બનાવવામાં આવશે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નહિ તેવી શાળાઓએ તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવી લેવાની પણ તાકીદે સુચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શાળાઓ શરુ થાય તે પહેલા અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીની એક ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેથી આગની ઘટના સમયે શાળાના કર્મચારીઓ પણ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ જરુર પડે કરી શકે. શાળાઓ પાસેથી ફાયર સેફ્ટીની વિગતો મેળવ્યા બાદ શાળાઓ પર શિક્ષણ વિભાગના અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરી શકે છે. જો તેમાં કોઈ શાળા કસુરવાર સામે આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાની તૈયારી પણ શિક્ષણ વિભાગે કરી છે.