રાજકોટની ઘટના બાદ સુરત મ્યુનિના સત્તાધિશો જાગ્યા, 5 ગેમ ઝોન સામે ફરિયાદ, 600 મિલક્તો સીલ
રાજકોટઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યની તમામ મ્યુનિ. કોર્પોરેશનો એલર્ટ બની છે. જેમાં સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો અને એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરીને 600 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાંચ ગેમઝોનના 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામ પ્રકારના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેના માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. દરેક વિભાગને કામગીરી યોગ્ય રીતે બજાવવાના નિર્દેશ અપાયા હતા.દરમિયાન મ્યુનિના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ઝોનમાં વહેલી સવારથી જ ટીમ બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમને અગાઉ નોટિસ આપવા છતાં નિયમોનું પાલન ન કરાતા દુકાનો સીલ કરવામાં આવી હતી. ફાયરની એનઓસી ન હોય એવા દવાખાના તેમજ જીમ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને ટેક્સ્ટ ટાઇલ માર્કેટમાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે. જ્યાં ફાયર સેફ્ટીની પણ ખૂબ જરૂરીયાત હોય, પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાને લઈને ગંભીરતા ન દાખવતા આખરે સીલ મારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 600 કરતાં પણ વધારે દુકાનો હોસ્પિટલ અને માર્કેટની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ, ડીજીવીસીએલ, તેમજ માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી. ઉપરથી કેટલાકમાં ઈમરજન્સી એકઝીટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા. સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી પોલીસે 5 ગેમ ઝોનના 14 માલિકો અને મેનેજરો સામે મોડીરાત્રે ગુનો નોંધવામાં આવ્યો હતો.