આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને નવો અર્થ આપ્યો છે, જે એક સમયે હિંસા દ્વારા તબાહ થઈ હતી. પર્યટનથી સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોની આવકમાં વધારો થયો છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યો હતો. મોદી સરકારના આ નિર્ણયને દેશની જનતાએ આવકાર્યો હતો. જ્યારે વિપક્ષે આ નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના કેટલાક પ્રાદેશિક પક્ષોએ કેન્દ્ર સરકારના નિર્ણયની સામે રોષ વ્યક્ત કર્યો હતો. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં લંબાણપૂર્વકની રજુઆત કરવામાં આવી હતી. આજે સર્વોચ્ચ અધાલતની પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે જ્યારે રાજા હરિ સિંહે ભારત સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે જમ્મુ-કાશ્મીરની સાર્વભૌમત્વ સમાપ્ત થઈ ગઈ હતી. તે ભારત હેઠળ બન્યું. તે સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું બંધારણ જમ્મુ અને કાશ્મીરના બંધારણ કરતાં ચડિયાતું છે. કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા છે.