દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે.કોવિડનો ડર એ હદે હાવી થઈ ગયો છે કે લોકો પોતાને બચાવવા માટે ઘરોમાં કેદ થઈ ગયા છે.તેથી જ રસ્તાઓમાં સન્નાટો છવાઈ ગયો છે.ચીનમાં એવા ઘણા શહેરો છે જ્યાં કોવિડના કેસ બેફામ રીતે વધી રહ્યા છે.સ્થિતિ એ છે કે, ઘણા શહેરોની હોસ્પિટલોમાં એન્ટિજેન ટેસ્ટ કીટની અછત છે, સ્મશાન પર લાંબી કતારો લાગી છે. આટલું જ નહીં, નિષ્ણાતો કહી રહ્યા છે કે ચીને ત્રણ લહેરો માટે સતર્ક રહેવું પડશે, કારણ કે આ દરમિયાન કેસ વધી શકે છે.
ચીનના પ્રમુખ મહામારીના નિષ્ણાત વુ જુન્યોએ ચેતવણી આપી છે કે,ચીનમાં કોરોનાની ત્રણ લહેર આવશે.પ્રથમ અવસર ક્રિસમસ પછી, બીજો અવસર નવું વર્ષ અને ત્રીજો અવસર લૂનર ન્યુ યર પછી આવશે,કારણ કે આ પ્રસંગોએ લોકો તેમના ઘરે પાછા ફરે છે, ત્યારે બેદરકારીને કારણે ખતરો અનેકગણો વધી શકે છે.તેમણે કહ્યું કે કોરોનાની ત્રણ લહેરોમાંથી પ્રથમ વેવ આ શિયાળામાં આવશે.
હકીકતમાં, ચીનની શી જિનપિંગ સરકારે દેશમાં ઘણા વિરોધ બાદ કોવિડ સંબંધિત તેની શૂન્ય કોવિડ નીતિને સમાપ્ત કરી દીધી હતી.આ પછી, કોરોનાના કેસોમાં અણધાર્યો વધારો થયો છે. મળતી માહિતી મુજબ ચીનના ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા શહેરોમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે.
બેઇજિંગના સૌથી મોટા સ્મશાન ભૂમિ બાબોશનની હાલત ભયાનક છે.અહીં પાર્કિંગ માટે પણ જગ્યા બચી નથી.સ્મશાનગૃહમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે,અંતિમ સંસ્કાર માટે બુકિંગ કરવું મુશ્કેલ છે.આથી લોકો ખાનગી વાહનો દ્વારા જ તેમના સગા-સંબંધીઓના મૃતદેહ લાવી રહ્યા છે.સ્થિતિ એવી છે કે અહીંના સ્મશાનમાંથી દિવસભર ધુમાડો નીકળતો રહે છે.
વુએ કહ્યું કે કોરોનાના ગંભીર કેસોમાં પાછલા વર્ષોની સરખામણીએ ઘટાડો થયો છે અને રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. તેમણે લોકોને બુસ્ટર ડોઝ કરાવવા અપીલ કરી છે.