અમદાવાદઃ શહેરમાં લાલ દરવાજા ખાતે એએમટીએસના મુખ્ય બસ ટર્મિનસને રૂપિયા 8 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. તેને માત્ર 7 મહિના થયા છે. ત્યાં બસ ટર્મિનસનો આરસીસી રોડ તૂટવા લાગ્યો છે. આમ નબળા બાંધકામને લઈને ફરિયાદો ઉઠતા મ્યુનિ.ના સત્તાધિશો હવે એવું કહી રહ્યા છે. કે, કોન્ટ્રાક્ટરના ખર્ચે રોડની મરામત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લાલા દરવાજા વિસ્તારમાં એએમટીએસનું મુખ્ય બસ ટર્મિનસનું રૂપિયા 8 કરોડના ખર્ચે નવિવીકરણ કરવામાં આવ્યું છે. અને રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરીને બસ ટર્મિનસને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સાત મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે નવા બસ ટર્મિનસનું લોકાર્પણ કરાયું હતું. શહેરના તમામ વિસ્તારોમાં જવા માટે આ બસ ટર્મિનસથી બસની સુવિધા મળે છે. બસ ટર્મિનસમાં કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો. આ રોડ તૂટવા લાગ્યો છે. રોડ પર ખાડાં પડેલા જોવા મળી રહ્યા છે. 10 વર્ષ સુધી રોડમાં કોઈ તકલીફ નહી થાય તેવા દાવાઓની એએમસીના અધિકારીઓ અને ભાજપના સત્તાધિશોની પોલ ખૂલી ગઈ છે. શહેરના નાગરિકો પણ એએમટીએસના મુખ્ય ટર્મિનસનો રોડ સાત મહિનામાં જ તૂટી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે.
શહેરના લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડના નવીનીકરણ વખતે એએમસીના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે સુપરવિઝન કરાયું હતું કે કેમ એવા પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. કહેવાય છે કે, એએમસી દ્વારા રિડેવલપમેન્ટ તથા નવા બનાવવામાં આવતા બાંધકામોમાં થોડા સમયમાં જ ખાડા પડતા હોવાની ઘટના આવી રહી છે. નવા બાંધકામોમાં મજબુતીકરણનો કેમ અભાવ હોય છે એવા પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે.