Site icon Revoi.in

લોકસભામાં સ્પીકર બાદ હવે ડેપ્યુટી સ્પીકર માટે પણ ખેંચતાણ, ઈન્ડી ગઠબંધન પણ ઉમેદવાર ઉભો રાખશે

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A વચ્ચે ટક્કર ચાલુ છે. ઈન્ડિ એલાયન્સ હવે એનડીએને ટક્કર આપવા માટે તૈયાર છે. સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ વિપક્ષે હવે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે વિપક્ષે પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. કોંગ્રેસના કે. સુરેશને લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે NDAએ ફરીથી બીજેપી સાંસદ અને લોકસભાના અગાઉના સ્પીકર ઓમ બિરલાને મેદાનમાં ઉતાર્યા છે.

મંગળવારે સવારથી (25 જૂન 2024) વિપક્ષ અને શાસક NDA વચ્ચે ડેપ્યુટી સ્પીકર માટે જોરદાર જંગ જોવા મળ્યો હતો. આ અંગે સૌથી પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ વિપક્ષ સાથે સહયોગની વાત કરી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ પદ પર વિપક્ષ સહયોગ માટે તૈયાર હતો. રાજનાથ સિંહે અમારા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીને ફોન કરીને ઓમ બિરલાને સમર્થન આપવા કહ્યું હતું. તેમણે સમર્થન આપવા સંમત થયા હતા, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની માંગ કરી હતી… પરંતુ ભાજપ આ માટે સંમત નહોતું.

રાહુલના નિવેદનની થોડીવાર બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ સિવાય પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ આ માટે પીએમ મોદીની ટીકા કરી હતી. રાહુલ ગાંધીના આ નિવેદનના થોડા કલાકો બાદ વિપક્ષે લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. પાર્ટીએ કેરળના સાંસદ કે. સુરેશને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.