વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
વડોદરા: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી તેમની અહીં સારવાર કરવામાં આવી રહી છે.
મસ્જિદના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન અને પથારીઓની અછતના કારણે મસ્જિદને કોવિડ હોપ્સિટલમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. રમઝાન મહિનામાં લોકો માટે જે સારું થઇ શકતું હતું તે હું કરી રહ્યા છીએ. જહાંગીરપુરા મસ્જિદ ઉપરાંત દારૂલ ઉલૂમમાં પણ 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોએ વહિવટીતંત્ર સાથે મળીને આ વ્યવસ્થા કરી છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના દર્દીની ઝડપથી સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ માટે ઘણા ધાર્મિક સ્થળ આગળ આવી રહ્યા છે.
વડોદરામાં જ સ્વામિનાયારણ મંદિરમાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર પડતાં તેમને ઓક્સિજન પણ આપવામાં આવે છે.